કાયમી ભરતી નહીં, કોન્ટ્રાક્ટનો ભરવાડ: અન્ન-પુરવઠા વિભાગમાં બે વર્ષમાં 1196 કર્મચારીઓની આઉટસોર્સિંગથી ભરતી.

ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના તાબા હેઠળના નિગમોમાં છેલ્લા બે વર્ષમાં મોટાપાયે કોન્ટ્રાક્ટ આધારિત ભરતી કરવામાં આવી છે. સરકાર દ્વારા વિધાનસભાની પ્રશ્નોતરીમાં આપેલા જવાબ મુજબ, વર્ષ 2023માં 567 અને વર્ષ 2024માં 672 એમ કુલ 1196 કર્મચારીઓની ભરતી આઉટસોર્સિંગથી કરવામાં આવી છે.

રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ.ની વધતી કામગીરીને પહોંચી વળવા કાયમી જગ્યા ઓછી હોવાથી કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓની ભરતી કરવી પડી. 1431 સ્વીકૃત જગ્યાઓ સામે 2023માં 459 અને 2024માં 419 કર્મચારીઓ જ કાર્યરત હતા, જેના કારણે આ પગલું ભરવામાં આવ્યું.

આ મુદ્દે વિપક્ષના નેતા અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું કે, રાજ્યમાં કાયમી ભરતીને બદલે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી યુવાનોનું શોષણ થઈ રહ્યું છે. સરકારી પદો ભરવાના બદલે આઉટસોર્સિંગથી ભરતી કરી સમાન કામ માટે સમાન વેતન આપવામાં આવતું નથી અને કર્મચારીઓને અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. માત્ર અન્ન-પુરવઠા નિગમ જ નહીં, પરંતુ રાજ્યના અન્ય બોર્ડ અને નિગમોમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે.