
અાટકોટ, 21 એપ્રિલ 2025:
વીછીયા તાલુકાના કાસકોલીયા ગામે પવનચક્કી સ્થાપન કરતી કંપનીએ ખેડૂતોના ખેતરમા કોઈપણ મંજૂરી વગર બળજબરીથી પવનચક્કીના થાંભલા અને વીજતાર નાખતાં તીવ્ર વિવાદ સર્જાયો છે.
ખાસ કરીને એક ખેડૂત પરિવારના ખેતરમાં કંપનીએ થાંભલા મૂકી અને વીજતાર ખેંચવાનું શરૂ કરતાં જ્યારે ખેડૂતોે વિરોધ કર્યો ત્યારે તેમના પર હિંસક હુમલો કર્યો હોવાનું આરોપ છે. આ હુમલામાં ખેડૂત પરિવારની બહેનનું હાથ તૂટી ગયું છે.
ઘટનાની માહિતી મળતાં ખેડૂત સેવા સંગઠન ગુજરાતના સ્થાપક મુકેશભાઈ રાજપરા અને આગેવાન જયંતીભાઈ ગોહિલએ કાસકોલીયા ગામની મુલાકાત લીધી અને સમગ્ર ઘટના સ્થળે પહોંચી ખેડૂતોની સમસ્યાઓની સમીક્ષા કરી.
મુકેશભાઈ રાજપરાએ જણાવ્યું કે:
“આ વિન્ડફાર્મ કંપનીએ જે રીતે ખેડૂતોની મરજી વિના તેમની જમીનનો ઉપયોગ કર્યો છે તે ગંભીર બાબત છે. જો તાત્કાલિક પવનચક્કીના થાંભલા અને તાર નહી હટાવાય તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. જો હુમલો કરનારાઓ સામે તાત્કાલિક પોલીસ કાર્યવાહિ નહિ થાય તો ખેડૂતોનુ આંદોલન ઉગ્ર રૂપ ધારણ કરશે.”
હાલ સમગ્ર વિસ્તારના ખેડૂતોમાં રોષનો માહોલ છે અને સરકાર સામે આ મામલે ગંભીર પગલાં લેવાની માગ ઉઠી રહી છે.
કિસાનોના હિતમાં રાજ્યના મુખ્યમંત્રીને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
રીપોર્ટ: કરશન બામટા, આટકોટ