કૂપોષણ વિરુદ્ધ જંગ: વેરાવળના બાળ કૂપોષણ સારવાર કેન્દ્ર (CMTC) દ્વારા અત્યાર સુધીમાં 1000થી વધુ બાળકોને મળ્યો નવા જીવનનો આશરો.

રાજ્ય સરકારના પ્રયાસો અને સંકલ્પને પગલે બાળ પોષણ ક્ષેત્રે નોંધપાત્ર પરિણામો જોવા મળી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સ્થિત સિવિલ હોસ્પિટલમાં કાર્યરત બાળ કૂપોષણ સારવાર કેન્દ્ર (ચાઈલ્ડ માલન્યુટ્રીશન ટ્રીટમેન્ટ સેન્ટર – CMTC)માં છેલ્લા દસ વર્ષમાં એક હજારથી વધુ બાળકોને કૂપોષણમાંથી બહાર લાવી, તેમનું જીવન ફરી તંદુરસ્ત બનાવવામાં આવ્યું છે.

કૂપોષણ એક ગંભીર સમસ્યા છે, જે બાળકના શરીરિક તેમજ માનસિક વિકાસને અવરોધે છે. રાજ્યમાં ચાલતી બાલભોગ, મધ્યાહન ભોજન, દૂધ સંજીવની જેવી યોજનાઓ ઉપરાંત CMTC જેવી સેવાઓ આ મુશ્કેલીનો મુકાબલો કરવા માટે ખૂબ જ અસરકારક સાબિત થઈ છે.

આ કેન્દ્રમાં ૦ થી ૫ વર્ષની વયના એવા બાળકોને દાખલ કરવામાં આવે છે, જે ગંભીર રીતે તીવ્ર કૂપોષણથી પીડાતા હોય. અહીં તેમને ૧૪ દિવસ સુધી તબીબી સારવાર, પોષણયુક્ત આહાર અને લાગણીસભર દેખરેખ સાથે રાખવામાં આવે છે. બાળકોને દૂધ, પૌષ્ટિક પાવડર, ફળફળાદી, નાસ્તો, કઠોળ અને ખાસ ડાયટ પ્લાન આપવામાં આવે છે.

માત્ર બાળક નહીં, પરંતુ માતા અથવા સંભાળ રાખનારા વ્યક્તિને પણ આ સમયગાળામાં પોષણ અંગે તાલીમ આપવામાં આવે છે. તેમને ઘરેલૂ પોષણયુક્ત ભોજન કેવી રીતે બનાવવો, ખોરાકની નિયમિતતા, સ્વચ્છતા અને બાળકની ખાસ સંભાળ કેવી રીતે લેવી – તે અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.

ઉપચાર પૂર્ણ થયા બાદ બાળકને રજા આપવામાં આવે છે અને ત્યારપછી ત્રણ ફોલોઅપ વિઝિટ માટે બોલાવવામાં આવે છે. સરકારે માતા-પિતાને રૂ. ૨,૫૦૦ ની નાણાકીય સહાય પણ આપે છે, જેથી આવનજાવન અને સારવાર દરમિયાન કોઇ આર્થિક ભાર ન પડે.

તાજેતરમાં ઉમ્મૂલખેર નામની બાળકીનો ઉલ્લેખ કરીએ તો સારવાર શરૂ કરતી વખતે તેનું વજન માત્ર ૮.૧ કિલો હતું. માત્ર ૧૪ દિવસ બાદ તેનું વજન ૯.૩ કિલો થયું અને ત્રણ ફોલોઅપ વિઝિટ પછી તે ૧૦.૧ કિલો સુધી પહોંચી હતી. હવે ઉમ્મૂલખેર ચાલે છે, બોલે છે અને સંપૂર્ણપણે હસ્તી-ખુશી જીવે છે.

આવાં અનેક બાળકોને પોતાનું બાળપણ પુનઃ મેળવવામાં આ કેન્દ્ર મદદરૂપ બન્યું છે. અહીં માત્ર દવાઓથી નહિ પણ લાગણીપૂર્વકની સેવા અને સમજદારીથી બાળકને જીવતા ઉજાસની તરફ દોરી જવામાં આવે છે.

બાળકોના સુપોષણ માટે રાજ્ય સરકારના આવા પ્રયાસો સમાજ માટે આશાના કિરણ સમાન છે, જે ભવિષ્યના સશક્ત નાગરિકોની કેળવણી માટે મજબૂત પાયો ઉભો કરે છે.

અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ – સોમનાથ