
નવસારી કૃષિ યુનિવર્સિટીનો ૨૦મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો : ૩૪ વિદ્યાર્થીઓને ૫૩ મેડલ એનાયત : ૬૪૧ વિદ્યાર્થીઓને પદવી અપાઈ
ભારતીય બીજ સર્વશ્રેષ્ઠ, વાતાવરણને અનુરૂપ બીજ બનાવવા ભાવિ કૃષિ વૈજ્ઞાનિકોને શ્રી આચાર્ય દેવવ્રતજીનું આહ્વાન
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી :
રાસાયણિક ખેતીના દુષ્પ્રભાવના કારણે ખેડૂતો ખેતી છોડી રહ્યા છે, પ્રાકૃતિક કૃષિ જ એકમાત્ર વિકલ્પ છે.
પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળવા સાથે પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવ પણ મળે છે.
કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે વીડિયો સંદેશના માધ્યમથી પદવીધારકોને અભિનંદન પાઠવી કૃષિ વિકાસમાં સહભાગી થવા આહ્વાન કર્યું

નવસારી કૃષિ યુનિવર્સિટીનો ૨૦મો પદવીદાન સમારોહ આજે રાજયપાલ અને કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ૩૪ તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિઓ માટે ૫૩ સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા. યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓના કુલ ૬૪૧ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. રાજ્યપાલશ્રીએ શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ સંશોધનકર્તા, શ્રેષ્ઠ વિસ્તરણ વૈજ્ઞાનિક, શ્રેષ્ઠ પુરૂષ ખેડૂત અને શ્રેષ્ઠ મહિલા ખેડૂતનું બહુમાન કર્યું હતું. નવસારી કૃષિ યુનિવર્સિટીના ૨૦મા દીક્ષાંત સમારોહમાં પદવીધારક યુવાઓને અભિનંદન પાઠવી પ્રેરણાદાયી માર્ગદર્શન આપતાં રાજ્યપાલ અને કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કૃષિ ક્ષેત્રના વિદ્યાર્થીઓને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવીન શોધ અને સંશોધનો કરી કૃષિ સમૃદ્ધિનો નવો માર્ગ કંડારવા જણાવ્યું હતું. ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ મિશન મોડમાં છે, પરંતુ હજુ તેને વેગવંતુ બનાવવાનું છે, તેમ કહી રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિને નવા યુગનો પ્રારંભ ગણાવી પ્રકૃતિ તરફ પ્રયાણ કરવા આહ્વાન કર્યુ હતું.દેશના ખેડૂતો અને સમગ્ર વિશ્વ યુવાન પદવીધારકો ભણી આશાભરી નજરે જોઈ રહ્યા છે, તેમ કહી રાજ્યપાલશ્રીએ કૃષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે સમયની માંગ અને પડકારોને સમજી પરિવર્તન માટે સજ્જ રહેવા આગ્રહ કર્યો હતો. ખેતી અને ખેડૂતની સમૃદ્વિ માટે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ સમાધાન છે અને તેને અપનાવવાથી કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ આવશે, તેમ કહી રાજ્યપાલશ્રીએ સમર્થ અને સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં સહયોગી બનવા પદવીધારકોને અનુરોધ કર્યો હતો. કૃષિ સંદર્ભે પોતાના જાહેર અને અંગત જીવનના રસપ્રદ ઉદાહરણો આપીને રાજ્યપાલશ્રીએ પોતાના ઉદબોધનમાં પ્રાકૃતિક ખેતીનો મહિમા વર્ણવ્યો હતો. પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરવી, જીવામૃત-ઘન જીવામૃત અને પ્રાકૃતિક ખાતર કઈ રીતે બનાવવું, સહિતના અનેક પાસાઓ પર તેમણે પોતાના વિચારો વ્યક્ત કરીને દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અંગે માહિતીસભર તલસ્પર્શી જ્ઞાન અને માર્ગદર્શન આપ્યું હતું.

રાસાયણિક ખેતીને ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગણાવી રાજ્યપાલશ્રીએ રાસાયણિક ખેતીના દુષ્પ્રભાવ અને દુષ્પરિણામ અંગે તર્ક અને ઉદાહરણો સહિત વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત કૃષિ પેદાશોના ભાવ પ્રમાણમાં સારા મળવાથી અને કૃષિ ખર્ચ નહિવત્ હોવાથી સરવાળે ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનો પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ પ્રાકૃતિક ખેતી થકી સિદ્ધ થતો હોવાનું જણાવી તેમણે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અનેકવિધ પગલા ભરી રહી છે, તેમ રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પદવીધારકોને જીવનના આગામી તબક્કાઓ માટે મંગળકામના પાઠવતાં જણાવ્યું હતું કે, હાઈબ્રીડ બીજ ઘાતક છે, તેથી કૃષિ ક્ષેત્રના વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોએ આપણા વાતાવરણ મુજબ ભારતીય બીજ બનાવવા પડશે. ભારતીય બીજ જ પાક ઉત્પાદન માટે સર્વશ્રેષ્ઠ છે, તેમ રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે વીડિયો સંદેશ થકી પદવીધારકો અને મેડલ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી રાઘવજી પટેલે પદવીદાન સમારંભને અદ્ભૂત અવસર ગણાવી પદવીધારકોને જન સુખાકારીના સંકલ્પ સાથે પોતાની કર્મભૂમિમાં પદાર્પણ કરવાના શુભાશિષ આપ્યા હતા. આજના પદવીધારકો આવતીકાલના સારા કૃષિ વૈજ્ઞાનિકો છે, તેવી આશા વ્યક્ત કરીને શ્રી પટેલે રાજ્ય અને રાષ્ટ્રના કૃષિ વિકાસમાં સહભાગી બનશો તેવી અપેક્ષા સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

નવસારી કૃષિ યુનિવર્સિટીની ઉમદા કામગીરીને બિરદાવીને કૃષિ મંત્રીશ્રીએ યુનિ.ની ગૌરવશાળી અને નોંધપાત્ર સિદ્ધિઓ બદલ યુનિવર્સિટીના કુલપતિશ્રી સહિત સૌને અભિનંદન પાઠવ્યા હતા. નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ચીકુમાંથી ગોળ બનાવવા માટે વિકસાવાયેલી નવીનતમ પદ્ધતિને મહત્વપૂર્ણ સંશોધન ગણાવી શ્રી પટેલે સરાહના કરી હતી. વધુમાં દરિયાઈ કાંઠાની જમીનની ગુણવત્તા સુધારવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા બાયોચારનું ઉત્પાદન કરી શરૂ કરાયેલા સંશોધનોને સરાહનીય બાબત ગણાવી હતી.આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે રાજસ્થાનની કોટા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. અભય કુમાર વ્યાસે દીક્ષાંત સંબોધનમાં જણાવ્યું હતું કે, પદવી મેળવનાર યુવાનો સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી નિભાવે તે જરૂરી છે. કૃષિને ભારતીય અર્થતંત્ર માટેનો મુખ્ય પાયો કહીને ડો. વ્યાસે પદવીધારકોને જ્ઞાન સાથે કૌશલ્ય અને દ્રષ્ટિકોણ થકી આજના સમયની સમસ્યાનો ઉકેલ લાવવા પ્રેરણા આપી હતી. કૃષિ સ્ટાર્ટ-અપની હિમાયત કરી તેમણે પદવીધારકોને નોકરીદાતા બનવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. જળવાયુ પરિવર્તનની અસર ઘટાડવા માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા અને નવા પરિવર્તનોને સ્વીકારવાની તેમણે સોનેરી સલાહ આપી હતી. પદવીદાન સમારોહના પ્રારંભમાં સૌને આવકારતાં યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ. પી. પટેલે યુનિવર્સિટીની સિદ્ધિઓની રૂપરેખા આપી હતી. તેમણે યુનિવર્સિટીએ શૈક્ષણિક ક્ષેત્રે મળેલ સિદ્ધિઓ, જળસંચય, ગુણવત્તાયુક્ત બીજ સંશોધન સહિત નવીન વિકસાવેલ પાકની જાતો ઉપરાંત યુનિ.ની ઉપલબ્ધિઓ, વિકાસગાથા, વિવિધ ગતિવિધિઓ, સુવિધાઓ તેમજ પ્રગતિ હેઠળના પ્રોજેક્ટની વિસ્તૃત વિગતો આપી હતી. અંતમાં યુનિ.ના કુલસચિવ ડો. એચ. એમ. વિરડીયાએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમના પ્રારંભે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતને ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવ્યું હતું. આ પદવીદાન સમારોહમાં વિવિધ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ, નવસારી કૃષિ યુનિ.ની વિવિધ વિદ્યાશાખાના વડાઓ, કોલેજના આચાર્યશ્રીઓ, મેનેજમેન્ટ બોર્ડના સભ્યો, એકેડેમિક કાઉન્સિલના સભ્યો, પ્રાધ્યાપકશ્રીઓ, કૃષિ વૈજ્ઞાનિકો, પદવીધારકો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ: આરીફ શેખ (નવસારી)