કૃષિ અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ૧૯.૫૯ કરોડના પ્રજાલક્ષી વિકાસ કાર્યોની ભેટ આપી.

જૂનાગઢ

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યદ્યોગ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે વિકાસ સપ્તાહ અંતર્ગત જૂનાગઢ જિલ્લાને વંથલી એપીએમસી ખાતેથી રૂ.૧૯.૫૯ કરોડના પ્રજાલક્ષી વિકાસ કાર્યોની ભેટ આપી હતી.કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે અંદાજે ૯૯.૫૦ ખર્ચે નવનિર્મિત અને આધુનિક સુવિધાથી સજજ વંથલી પશુ દવાખાનાનું ગૌ પૂજન કરીને લોકાર્પણ કર્યું હતું.

જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે રૂ. ૧૭.૮૨ કરોડના માર્ગ અને મકાન પંચાયત તથા રાજ્ય, કેશોદ અને માંગરોળ નગરપાલિકા ઉપરાંત માણાવદર અને કેશોદના જળસંચય હેઠળના વિવિધ કાર્યો એમ કુલ -૯ વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત કર્યું. સાથે જ કેશોદ નગરપાલિકા દ્વારા રૂ.૮૦ લાખના ખર્ચે નિર્મિત વિવિધ બાંધકામનું ઈ – લોકાર્પણ કર્યું હતું.

કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જનસભાને સંબોધતા જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ વિકાસ યાત્રાના ૨૩ વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે ગુજરાત સરકાર વિકાસ સપ્તાહ રૂપે ઉજવણી કરી રહી છે.

તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના સર્વાંગી વિકાસ માટેના ભગીરથ પ્રયાસોથી ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં વિકાસનું રોલ મોડલ બનીને ઉભર્યું છે. તેમના નેતૃત્વમાં ગુજરાતના પ્રજાજનોને જ્યોતિગ્રામ યોજના થકી ૨૪ કલાક વીજળી મળી રહી છે. આ સાથે ગુજરાત વીજ ઉત્પાદનમાં સરપ્લસ રાજ્ય પણ બન્યું છે. ઉપરાંત સરદાર સરોવર ડેમની ઊંચાઈ પૂર્ણ સપાટી સુધી લઈ જઈ સૌરાષ્ટ્રને પીવાના પાણીની તંગી માંથી કાયમી માટે ઉગાર્યા છે. ગિરનાર રોપવે પ્રોજેક્ટના નિર્માણ તેમજ અન્ય પ્રવાસન સ્થળોના વિકાસથી આ વિસ્તાર પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી ગુજરાત ઔદ્યોગિક વિકાસમાં ટોચના સ્થાને બિરાજમાન છે. રોડ રસ્તા સહિત ની માળખાકીય સુવિધાઓ વિકસાવવાની સાથે લોકોને પાકા આવાસ પણ મળ્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કંડારેલા વિકાસના માર્ગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતને આગળ ધપાવી રહ્યા છે.

કૃષિ મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર પશુઓની ઓલાદ સુધારણા માટે ભાર આપી રહી છે. શ્રેષ્ઠ ઓલાદના પશુઓના બચ્ચા જન્મે તે માટે IVF અને સેક્સડ સિમોન જેવી આધુનિક ટેકનોલોજી અપનાવવી પણ જરૂરી છે. જેથી પશુપાલકોને આર્થિક ફાયદો થવાની સાથે રખડતા પશુઓનો પ્રશ્ન પણ હલ થશે. તેમને કહ્યું કે, રાજ્ય સરકાર પશુ સંવર્ધન માટે પશુ આરોગ્ય મેળા યોજવાની સાથે હરતા-ફરતા પશુ દવાખાના શરૂ કરી પશુ સારવાર માટે સુલભ સુવિધા આપી છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમરે તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રવર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળમાં વીજળી, પીવાના પાણી સહિતની સમસ્યાનો ઉકેલ થયાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ૨૩ વર્ષ પહેલાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે કચ્છના ભૂકંપની વિકટ આપદા સામે હતી. ત્યારે તેમાંથી ઉગારી અવિરત વિકાસયાત્રા ચાલી રહી છે. ગામ ગામથી જોડતા રસ્તાઓના નિર્માણથી રોડ કનેક્ટિવિટી મજબૂત બની છે. તેમણે સહિયારા સંપથી દેશ અને ગુજરાતની વિકાસયાત્રા આગળ લઈ જવા માટે ભાર આપ્યો હતો.આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે પશુપાલકોને ઘાસચારાના બીજની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી ભગવાનજીભાઈ કરગઠીયા, સંજયભાઈ કોરડીયા, અરવિંદભાઈ લાડાણી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી મુકેશભાઈ કણસાગરા જિલ્લા સહકારી બેંકના ચેરમેનશ્રી કિરીટભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નીતિન સાંગવાન, વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામકશ્રી ભરતસિંહ ગોહિલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી ગોવિંદભાઈ હુંબલ, શ્રી ઠાકરશીભાઈ જાવીયા, શ્રી અરજણભાઈ દીવરાણીયા વંથલી એપીએમસીના શ્રી ભાવેશભાઈ મેંદપરા સહિતના પદાધિકારી અધિકારી ઉપરાંત આસપાસના ગામના સરપંચશ્રીઓ, અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના પ્રારંભે નાયબ પશુપાલન નિયામકશ્રી દિલીપ પાનેરાએ શાબ્દિક સ્વાગત અને અંતમાં પ્રાંત અધિકારીશ્રી કે.પી. ગોહિલે આભાર વિધિ કરી હતી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)