“નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ” અંતર્ગત પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન મેળવતા ખેડૂતો
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર અને આત્મા પ્રોજેક્ટ, ગીર સોમનાથ દ્વારા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના જુદા-જુદા ક્લસ્ટરમાં પસંદગી પામેલા કૃષિ સખી અને કલસ્ટર રીસોર્સ પર્સન માટે પાંચ દિવસીય પ્રાકૃતિક ખેતીની તાલીમનું સમાપન થયું હતું.
પ્રાકૃતિક કૃષિમાં આમૂલ પરિવર્તન લાવવાના એક ઉત્તમ આશયમાં ૪૦ થી વધારે તાલીમાર્થીઓ જોડાયા હતા. તજજ્ઞોએ તાલીમાર્થીઓને પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો, દેશી ગાય આધારીત ખેતી કઇ રીતે કરવી?, રોગ તેમજ જીવાતનું નિયંત્રણ, નિંદામણનું નિયંત્રણ, જમીનની તૈયારી, પિયતનું વ્યવસ્થાપન, બીજ માવજત, સહજીવી પાક, મિશ્ર પાક, જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપ્સા વગેરે સહિત પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાલીમના સમાપનમાં તાલીમાર્થીઓએ પોતાના અનુભવ વર્ણવ્યાં હતાં અને શા માટે પ્રાકૃતિક ખેતી આજના સમયની તાતી જરૂરિયાત છે તે અંગે વિસ્તારમાં વાત કરી વધારેમાં વધારે ખેડૂત પ્રાકૃતિક ખેતી અપનાવે તેવી અપીલ કરી હતી.
આ કાર્યક્રમના અંતે તમામ તાલીમાર્થીઓને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ.પુષ્પકાંત સુવર્ણકાર, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક જીતેન્દ્રસિંહ, પાક સંરક્ષણ વિષય નિષ્ણાંત રમેશ રાઠોડ, પાક વિજ્ઞાન તજજ્ઞ મનીષ બલદાનિયા, આત્માના ડી.પી.ડી. કલ્પેશ પરમાર ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ : પ્રકાશ કારાણી વેરાવળ.