વિશ્વ મધમાખી દિવસ ૨૦ મેના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ યુનાઈટેડ નેશન્સ સમક્ષ ૨૦ મે ૨૦૧૭ના રોજ મધમાખી ઉછેર કરનારા એસોસિએશન ઑફ સ્લોવેનિયાના નેતૃત્વ હેઠળ મૂકવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોએ ડિસેમ્બર ૨૦૧૭માં આ દિવસની ઉજવણી કરવાની મંજૂરી આપી હતી, ત્યારથી દર વર્ષે વિશ્વભરમાં ૨૦ મેના દિવસને મધમાખી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રથમ વિશ્વ મધમાખી દિવસ ૨૦ મે ૨૦૧૮ ના રોજ મનાવવામાં આવ્યો હતો. આ વિશેષ દિવસ ૨૦ મેના રોજ એન્ટોન જાન્સાના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે, જેને આધુનિક મધમાખી ઉછેર તકનીકના પિતા કહેવામાં આવે છે.
તે અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથ, અંબુજા ફાઉન્ડેશન અને કૃષિ વિકાસ સહકારી સમિતિ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના FPO મળી ને ખેડૂતો ને તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમની ઉજવણી વેરાવળ તાલુકાના ચમોડા ગામ ખાતે જેઠાભાઈ રામના મધુવન મધમાખી ફાર્મ ખાતે કરવામાં આવી. આ કાર્યક્ર્મમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથના સિનિયર સાયન્ટીસ્ટ અને હેડ જીતેન્દ્ર સિંહ, પાક સંરક્ષણના વિષય નિષ્ણાત રમેશ રાઠોડ, બાગાયત વિભાગના અધિકારીઓ, એફપીઓના નયન સોલંકી, જગદીશ જોટવા તથા અન્ય સ્ટાફ મિત્રો અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મધમાખી અને નારીયેલીની ખેતી વિશે સહવિસ્તાર માહિતી આપવામાં આવી.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ