જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે આજે આયોજીત વિશિષ્ટ સંમેલનમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનારના પાક સંરક્ષણ વિષય નિષ્ણાંત શ્રી રમેશ રાઠોડનું સન્માન કરવામાં આવ્યું હતું. કૃષિ ક્ષેત્રે ખેડૂતો માટે સક્રિય અને ઉપયોગી કામગીરી બદલ તેમને યુનિવર્સિટી ના માનનીય કુલપતિના વરદ હસ્તે શાલ ઓઢાડી, પ્રમાણપત્ર તથા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક, વિસ્તરણ શિક્ષણ નિયામક, યુનિવર્સિટીની વિવિધ કોલેજોના પ્રિન્સીપાલ, વિભાગના મથક અધિકારીઓ તથા યુનિવર્સિટીના સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
શ્રી રમેશ રાઠોડે ખેડૂતો માટે કૃષિ સંબંધિત માહિતી સરળ ભાષામાં અને યોગ્ય સમયે પહોંચાડી ખેડૂતોને શૈક્ષણિક રીતે સજાગ બનાવવા માટે અનોખી કામગીરી કરી છે. તેમના પ્રામાણિક પ્રયાસોને લઈને તેમને આ સન્માન પ્રદાન કરવામાં આવ્યું છે.
યુનિવર્સિટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે આવા વૈજ્ઞાનિકોના સતત પ્રયત્નો જ ખેડૂત સમાજ માટે નવું દિશા દર્શન આપે છે અને ખેડૂતમિત્રોને નવી ટેક્નોલોજી સાથે જોડવામાં મદદરૂપ બને છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ