‘કૅચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત બાઈક રેલીનું ભવ્ય આયોજન: સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ રેલીને આપી પ્રસ્થાન

ગીર સોમનાથ
વરસાદી પાણીના જળસંચય માટે નાગરિકોમાં જાગૃતિ લાવવાના હેતુસર ગીર સોમનાથ જિલ્લામાં ‘કૅચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત ભવ્ય બાઈક રેલી યોજાઈ હતી. રેલીને સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ છાપરી ગામેથી પ્રસ્થાન કરાવ્યું હતું.

રેલીમાં કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પુરવઠા અધિકારી પારસ વાંદા, તેમજ અનેક પ્રાંત અધિકારીઓ, સરપંચો અને ગ્રામજનો જોડાયા હતા.

સાંસદ ચુડાસમાએ જણાવ્યું:

“ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં અને શહેરનું પાણી શહેરમાં રહે એ અભિયાનનો મુખ્ય હેતુ છે. નકામા વહી જતા વરસાદી પાણીને જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળ સ્તર ઉંચું લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.”

કલેક્ટર જાડેજાએ આ તકે ઉમેર્યું:

“જળસંચય વ્યક્તિગત નહીં પણ સામૂહિક જવાબદારી છે. દેવકા નદીને પુનઃજીવિત કરવા તેમજ દરેક નદીનું જળસંચય સ્વરૂપે સંવર્ધન કરવા દરેક નાગરિકે જોડાવું જોઈએ.”

બાઈક રેલી આયુમાના મંદિરથી શરૂ થઈ, છાપરી, દેદા, ઉંબા ઓમનાથ, આંબલિયાળા, તાંતીવેલા, ડાભોર અને અંતે દેવકા નદી સુધી પહોંચી હતી. ગામે ગામ લોકોએ કુમકુમ તિલકથી રેલીનું સ્વાગત કર્યું હતું. બાળકો, યુવાઓ અને ગ્રામજનોએ જળસંચય સંદેશ સાથેના બેનરો, સૂત્રોચ્ચાર અને ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી.

આ રેલી ‘જળ છે તો કલ છે’ જેવા સંદેશ સાથે ગામડાં સુધી જાગૃતિ લાવવાનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થઈ હતી.

અહેવાલ: દીપક જોશી, ગીર સોમનાથ