કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ કેશોદ ખાતેથી રૂ.૬.૫૧ કરોડના ૧૧૦ વિકાસ કાર્યોનું ઈ – લોકાર્પણ -ખાતમુહૂર્ત કર્યું

૮૮-કેશોદ વિધાનસભા મતવિસ્તારના નાગરિકોને વિકાસકાર્યોની ભેટ : રૂ. ૬૮.૩૫ લાખના ૧૯ વિકાસ કામોનું લોકાર્પણ તથા રૂ.૫.૮૨ કરોડના ખર્ચે નિર્મિત થનાર ૯૧ વિકાસ કામોનું ખાતમુહૂર્ત

ઘેડ પંથકમાં પૂરની સમસ્યાના નિરાકરણ માટે પ્લાન તૈયાર : અંદાજે રૂ. ૪૫૦ કરોડના ખર્ચે ઘેડ પંથકમાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે : કેન્દ્રીય મંત્રીશ્રી

ગુલામીના પ્રતિકોને ત્યજીને આપણી ગૌરવશાળી વિરાસતમાંથી પ્રેરણા મેળવી દેશને આગળ વધારવા માટે યોગદાન આપીએ

વિકસિત અને સમૃદ્ધ ભારતના નિર્માણ માટે સામૂહિક પ્રયાસો અનિવાર્ય

આદર્શ નાગરિક તરીકે દેશ અને સમાજ માટેના કર્તવ્ય નિર્વહન કરવા કેન્દ્રીય મંત્રીશ્રીનું પ્રેરક આહવાન

ભારત સરકારના શ્રમ અને રોજગાર, રમત ગમત અને યુવા બાબતોના મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ આજે કેશોદ ખાતેથી જન સુખાકારી અને માળખાકીય સુવિધામાં વધારો કરતા રૂ.૬.૫૧ કરોડના ૧૧૦ વિકાસકાર્યોનું લોકાર્પણ -ખાતમુહૂર્ત કર્યું હતું.
કેન્દ્રીય મંત્રીશ્રીએ કેશોદ ટાઉનહોલ ખાતેથી ૮૮-કેશોદ વિધાનસભા મતવિસ્તારના રૂ. ૬૮.૩૫ લાખના ૧૯ વિકાસ કામોનું લોકાર્પણ તથા રૂ.૫.૮૨ કરોડના ખર્ચે નિર્મિત થનાર ૯૧ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ સંબોધતા જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા ૨૫ વર્ષના શાસનકાળમાં પ્રાથમિક જરૂરિયાતો અને સુવિધાઓનો સંઘર્ષ પૂર્ણ થયો છે, એટલું જ નહીં રાજ્યની અવિરત વિકાસ યાત્રાથી ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે.
વીજળી, પાણી, આરોગ્ય સહિતની લોકોની જરૂરિયાતોને સંતોષી કેન્દ્ર રાજ્ય સરકાર ઉપર લોકોએ મુકેલા વિશ્વાસ પર ખરી ઉતરી છે. લોક માંગને ધ્યાને રાખી અને તેને પૂર્ણ કરવાની શક્યતાઓને તપાસી જવાબદારીપૂર્વક લોકોના પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું છે.


કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું કે, ઘેડ પંથકમાં જે પૂરની સમસ્યા હતી, તેના નિરાકરણ માટેની યોજના પણ બની ગઈ છે. આ વિસ્તારમાં નદી નાળા પહોળા કરવાની સાથે પાણીના યોગ્ય નિકાલ માટેનો પ્લાન બનાવવામાં આવ્યો છે. અંદાજે રૂ. ૪૫૦ કરોડના ખર્ચે ઘેડ પંથકમાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.કેન્દ્રીય મંત્રીશ્રીએ ઘેડ પંથકની સમસ્યાના નિરાકરણ માટે સર્વે સહિતની કામગીરી અને જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવા માટે જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાને અભિનંદન પાઠવ્યા હતા.


કેન્દ્રિય મંત્રીશ્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને દોહરાવતા જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રીએ ૨૦૪૭ સુધીમાં દેશની આઝાદીના શતાબ્દી વર્ષમાં દેશને વિકસિત અને સમૃદ્ધ બનાવવા માટેનો રોડ મેપ પણ આપ્યો છે. તેમણે કહ્યું કે, ગુલામીના પ્રતિકોને ત્યજીને આપણી ગૌરવશાળી વિરાસતમાંથી પ્રેરણા મેળવી દેશને આગળ વધારવા માટે યોગદાન આપીએ અને સંસારનું શ્રેષ્ઠ હોય તેનું તો ગ્રહણ કરીએ પરંતુ આપણો વારસો વિસરાઈ ન એ માટે પણ પ્રતિબદ્ધ બનીએ. વિકસિત ભારતના નિર્માણમાં જન ભાગીદારીને અનિવાર્ય ગણાવતા કહ્યું કે, સામૂહિક પ્રયાસોથી જ શ્રેષ્ઠ પરિણામો મેળવી શકાશે. એક આદર્શ નાગરિક તરીકે દેશ અને સમાજ માટેના કર્તવ્ય નિર્વહન કરવા માટે પણ આહવાન કર્યું હતું.


ઉપરાંત સરકાર, વહીવટી તંત્ર અને જાગૃત નાગરિક તરીકેના આપણા સહિયારા પ્રયાસોથી વિકાસ કામોને ગુણવત્તા યુક્ત, સુંદર અને સુદ્રઢ બનાવવા માટે પણ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમરે જણાવ્યું કે, રોડ રસ્તા, વીજળી, આરોગ્ય સહિતની મૂળભૂત સમસ્યાઓ ભૂતકાળ બની છે, અવિરત વિકાસ કાર્યોના લોકાર્પણ – ખાતમુહૂર્તથી જન સુખાકારીમાં વધારો થઈ રહ્યો છે. તેમણે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ ઘેડ પંથકમાં પૂરની સમસ્યાના નિરાકરણ માટેના પ્રયાસોને ઉલ્લેખ કરતા આ વિસ્તારના વિકાસ કાર્યો વેગવંતા બન્યા છે. તેમ પણ જણાવ્યું હતું.


આ પ્રસંગે કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમે વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્તનો ઉલ્લેખ કરતા પ્રાસંગિક સંબોધન કર્યું હતુ. કેશોદ વિધાનસભા મતવિસ્તારમાં રૂ.૬.૫૧ કરોડના ૧૧૦ વિકાસ કાર્યોમાં તાલુકા પંચાયત કેશોદ અને માંગરોળ, નગરપાલિકા કેશોદ, માર્ગ અને મકાન વિભાગ રાજ્ય અને પંચાયત સહિતના વિભાગના રોડ રસ્તા, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા સહિતની માળખાકીય સુવિધાઓના કામોનો સમાવેશ થાય છે.


તાલુકા વહીવટી તંત્ર – કેશોદ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા કલેકટર, શ્રી અનિલકુમાર રાણાવસિયા, કેશોદ નગરપાલિકાના પ્રમુખશ્રી મેહુલભાઈ ગોંડલીયા, નગરપાલિકાના કમિશનર શ્રી ડી. એમ. સોલંકી, આસિસ્ટન્ટ કલેકટર ઐશ્વર્યા દુબે સહિતના સ્થાનિક પદાધિકારી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે આસિસ્ટન્ટ કલેકટર અને કેશોદના અધિકારી સુશ્રી વંદના મીણાએ શાબ્દિક સ્વાગત અને મામલતદાર શ્રી સંદીપ મહેતાએ આભાર વિધિ કરી હતી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)