કેફી દ્રવ્યોના સેવનથી ભટારના શ્રમિકનું પેટ માટલાની જેમ ફૂલી ગયું: સ્મીમેરના તબીબોએ સફળ સર્જરી કરી સ્વાદુપિંડમાંથી પાણી ભરેલી ગાંઠ કાઢી પીડામાંથી છૂટકારો અપાવ્યો.

સુરત:

કેફી દ્રવ્યોના સેવનથી સુરત શહેરના ભટારમાં રહેતા શ્રમિકનું પેટ માટલાની જેમ ફૂલી ગયું હતું. અસહ્ય દુખાવા સાથે સ્મીમેરમાં દાખલ થયેલા શ્રમિકની સ્મીમેરના તબીબોએ સફળ સર્જરી કરી પીડામાંથી છૂટકારો અપાવ્યો હતો. દૂરબીન (લેપ્રોસ્કોપી)થી ઓપરેશન કરી સ્વાદુપિંડમાંથી ૪૨x ૩૦ સેમીની પાણી ભરેલી ગાંઠ કાઢવામાં આવી હતી. સાડા ત્રણ કલાક લાંબી સર્જરી કરી તબીબોએ દર્દીને સ્વસ્થ તો કર્યો જ, સાથે નશાથી પરિવારનું ભાવિ અંધકારમય બને એ માટે મોટીવેટ કરતા દર્દીએ જીવનમાં ક્યારેય નશો ન કરવાની ખાતરી આપી હતી. ખાનગી હોસ્પિટલમાં રૂ.બે લાખનો ખર્ચ થાય એમ હતો, એ ઓપરેશન સ્મીમેરમાં વિનામૂલ્યે થયું જેથી દર્દીને મોટી આર્થિક રાહત પણ થઈ છે.

મૂળ તાપી જિલ્લાના વ્યારાનો વતની અને ભટારમાં રહી દૈનિક મજૂરી કામ કરતો ૨૯ વર્ષીય અમિત ગામીત છેલ્લા છ સાત વર્ષથી કેફી દ્રવ્યોના સેવનની લત લાગતા વ્યસનનો આદિ બની ગયો હતો. મહિનાની મોટાભાગની કમાણી નશામાં ઉડાવી દેતો હતો. સતત નશાના કારણે તેનું શરીર માટલા જેવું ફૂલી ગયું હતું. જેના કારણે સતત ઉલ્ટી કરવી, શ્વાસ લેવામાં તકલીફ, બેચેની, બેકપેઈન, અનિંદ્રાથી પીડાઈ રહ્યો હતો. છેલ્લા છ મહિનાથી આવી સમસ્યાઓના કારણે મજૂરી કામ પણ કરી શકતો ન હતો, પરિણામે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું હતું અને બેરોજગાર બન્યો હતો.

સ્મીમેર મેડિકલ કોલેજના પ્રોફેસર અને સ્મીમેર હોસ્પિટલના સિનીયર કન્સલ્ટન્ટ સર્જન ડો. હરીશ ચૌહાણે જણાવ્યું હતું કે, સર્જરી વિભાગમાં અમિતનું ડાયગ્નોસિસ કરાયું અને સર્જરીની જરૂર પડતા દૂરબીન (લેપ્રોસ્કોપી)થી સફળતાપૂર્વક ઓપરેશન કરી પીડામાંથી મુક્ત કર્યો છે. તેના સ્વાદુપિંડમાંથી ૪૨x ૩૦ સેમીની પાણી ભરેલી ગાંઠ કાઢવામાં આવી હતી. જેમાં ૧.૯૦ લીટર ગંદુ પાણી જમા થયું હતું. આ મોટી ગાંઠ અને તેમાં રહેલા પાણીના કારણે તેનું પેટ માટલાની માફક ફૂલી ગયું હતું. કુલ ૧૦ દિવસ હોસ્પિટલમાં સઘન સારવાર આપ્યા બાદ સંપૂર્ણ સ્વસ્થ થતા પેટ પૂર્વવત થયું હતું, અને ઉલ્ટી, બેચેની, બેકપેઈન, અનિંદ્રા જેવી તમામ સમસ્યાઓનું નિવારણ થતા આજે રજા આપવામાં આવી છે.

અહેવાલ: અશ્વિન પાંડે (સૂરત)