ભવનાથ મહાદેવના દર્શન કરીને લોકોને સુખાકારી માટે પ્રાર્થના કરી
જૂનાગઢ, તા. ૨૬: ગુજરાત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા મહાશિવરાત્રીના પાવન પ્રસંગે ભવનાથ મહાદેવના દર્શન અને પૂજા-અર્ચના કરવા પધાર્યા. મંત્રીએ લોકોની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી અને ભવનાથ મંદિર ખાતે મહાદેવગીરી બાપુ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું.
વિભિન્ન આશ્રમોની મુલાકાત અને સાધુ-સંતોના આશીર્વાદ
મંત્રીએ ભવનાથ તળેટી ખાતે દોલતરામ આશ્રમ, વેલનાથબાપુ મંદિર અને મુચકુંદ ગુફા સહિત વિવિધ સંતમહંત આશ્રમોની મુલાકાત લીધી. દોલતરામ બાપુએ મંત્રીશ્રીએ સન્માન સાથે આવકાર્યો. મુચકુંદ ગુફા ખાતે જગતગુરુ ગર્ગાચાર્ય પીઠાધીશ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજ અને મહામંડલેશ્વર કનકેશ્વરી દેવજી સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી.
મંત્રીએ સાધુ-સંતોની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી
મંત્રીએ આશ્રમો દ્વારા કરવામાં આવતી સેવાઓની પ્રશંસા કરી અને કહ્યું કે આધ્યાત્મિક અને સેવાકીય કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ છે. આ મુલાકાત દરમિયાન પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ: નરેન્દ્ર દવે, સાથે જગદીશ યાદવ, જૂનાગઢ