કેશોદ
કેશોદના જુના ગામતળ વિસ્તારમાં આવેલા કુતનાથ મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસમાં દરરોજ બહોળી સંખ્યામાં ભાવિકો ભકતો પુજા અર્ચના કરવા આવે છે અને દરરોજ સાંજે જુદાં જુદાં શૃંગાર કરવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ઉજ્જૈન મહાકાલેશ્ર્વર મહાદેવ ની હુબહુ શૃંગાર કરી ભસ્મ આરતી કરવામાં આવી હતી. લોકમુખે અને સાહિત્યમાં ઉલ્લેખનીય માહિતી મુજબ કેશોદ શહેરમાં દ્વાપર યુગમાં અજ્ઞાતવાસ દરમ્યાન પાંડવો આવ્યાં હતાં અને હાલના ડીપી રોડ પર ભીમકુડ ખાતે સ્નાન કર્યું હતું અને માતા કુન્તી ને મહાદેવ ની પુજા અર્ચના કરી ભોજન લેવાનો નિયમ હોય મહાદેવ ની સ્થાપના કરી હતી જે કુતનાથ મહાદેવ તરીકે પુજાય છે. માતા કુન્તી એ વાળ ધોયાં પછી પાણીનું ટીપું ધરતી પર પડતાં કેશઓઝ નામ પડયું હતું સમય જતાં અસ્ભ્રસ થઈ કેશોદ તરીકે ઓળખાય છે.
વર્ષો પહેલાં કેશોદના એક પટેલ ખેડૂત ને શિવલિંગ જમીનમાં દટાઈ હોવાનો સંકેત યોગ નિદ્રામાં મળતાં ખોદકામ કરતાં શિવલિંગ પ્રગટ થયું હતું અને ખોદકામ દરમિયાન ઘા લાગતાં શિવલિંગ ઉપરના ભાગમાં ખાડો પડેલો છે. કેશોદના કુતનાથ મહાદેવ મંદિરમાં પાંડવો દ્વારા સ્થાપિત શિવલિંગ આપોઆપ વર્ષે ચોખાભાર વધે છે અને શિયાળો ઉનાળો અને ચોમાસામાં રંગ બદલાઈ જાય છે. કેશોદ શહેર અને આસપાસના ભાવિકો ભકતો માટે આસ્થાનું કેન્દ્ર છે. પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવ ને શૃંગાર કરી આરતી કરવામાં આવે તો દર્શનાર્થીઓ માટે આધ્યાત્મિક રીતે ખુબ જ પુણ્યશાળી અને મનની વ્યાકુળતા દુર કરનાર માનવામાં આવે છે. કેશોદના કુતનાથ મહાદેવ મંદિર ખાતે ગંગામૈયા ની પ્રતિકૃતિ વેશભૂષામાં તૈયાર કરવામાં આવી હતી અને એમની પણ પુજા અર્ચના કરવામાં આવી હતી. કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિત સ્થાનિક આગેવાનો પદાધિકારીઓ સહિત ભાવિકો ભકતો બહોળી સંખ્યામાં ભસ્મ આરતીમાં જોડાઈને મનોવાંછિત ફળ મેળવવા પ્રાર્થના કરી હતી. કેશોદ કુતનાથ મહાદેવ મંદિરના મહંત પુજારી રાજુ બાપુએ એકાત્મતા ની સાથે ભસ્મ આરતી ઉતારી ત્યારે અલૌકિક ભક્તિમય વાતાવરણ બની ગયું હતું.
અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)