કેશોદ
કેશોદના બામણાસા ગામે વ્યાજખોરીમાં સંકજામાં ફસાયેલા પરિવારે પોતાનો વ્હાલસોયો દિકરો ગુમાવવો પડ્યો છે. કેશોદના પીપલીયાનગર માંગરોળ રોડ પર રહેતાં હાજાભાઈ વાઢીયા એ પોતાના મુળ ગામ બામણાસા ખાતે આવેલી ચૌદ વિઘા ખેતીની જમીન નું લખાણ કરી હરદાસભાઈ પીઠાભાઈ નંદાણીયા રહેવાસી બામણાસા પાસેથી પાંચ લાખ રૂપિયા ઉછીના લીધાં હતાં અને હાજાભાઈ વાઢીયા અને પુત્ર નીલેશભાઈ વાઢીયા વ્યાજ ચુકવવા છતાં જમીનનું દસ્તાવેજ કરી આપવા દબાણ કરતાં હતાં. વ્યાજખોરી નાં ચક્રવ્યૂહમાં ફસાઈ ગયેલ વાઢીયા પરિવાર પૈસાની લેતીદેતીમાં ખેલાયેલા ખૂની ખેલમાં વ્હાલસોયો દિકરો ગુમાવવો પડ્યો છે.
પતિ પત્ની અને બંન્ને પુત્રોએ એકસંપ કરી જીવલેણ હુમલો કરી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો…
કેશોદ પોલીસ સમક્ષ નયનાબેન નીલેશભાઈ વાઢીયા ઉંમર વર્ષ ૩૦ , રહેવાસી પીપલીયાનગર, માંગરોળ રોડ કેશોદ વાળાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે સવારે કેશોદ થી મોટરસાયકલ પર હાજાભાઈ વાઢીયા, નીલેશભાઈ વાઢીયા,હીરીબેન હાજાભાઈ વાઢીયા અને નયનાબેન નીલેશભાઈ વાઢીયા બામણાસા પોતાના ખેતરમાં ખેતીકામ કરીને બપોરે નયનાબેન પોતાના પતિ નીલેશભાઈ અને દોઢ વર્ષની દિકરી સાથે મોટરસાયકલ પર બાજુમાં આવેલ કતકપરા ગામે કાકાનાં ઘરે આંટો મારવાં જતાં રસ્તામાં મહેશભાઈ હરદાસભાઈ નંદાણીયા અને દિનેશભાઈ હરદાસભાઈ નંદાણીયા બુલેટ મોટરસાયકલ પર આવી રોકીને પૈસા કેમ આપતો નથી કહીને લોખંડના પાઈપ વડે આડેધડ માર મારતાં નયનાબેન નીલેશભાઈ વાઢીયા વચ્ચે પડતાં તેઓને પણ પગમાં પાઈપ મારી ઈજાગ્રસ્ત કર્યા હતાં. બંન્ને ભાઈઓ એ વાતચીત કરવા પોતાનાં ઘરે દબાણ હેઠળ લઈ જતાં ત્યાં હરદાસભાઈ પીઠાભાઈ નંદાણીયા, મહેશભાઈ હરદાસભાઈ નંદાણીયા, દીનેશભાઈ હરદાસભાઈ નંદાણીયા,જાનીબેન હરદાસભાઈ નંદાણીયા રહેવાસી તમામ બામણાસા તાલુકો કેશોદ હાજર હોય એકસંપ કરી કોદાળી દાતરડું લોખંડના પાઈપ વડે આડેધડ માર મારતાં નીલેશભાઈ બેભાન થઈ જતાં તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોય જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યાં હતાં. જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યાં હતાં પરંતુ ભાનમાં ન આવતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત નીલેશભાઈ હાજાભાઈ વાઢીયા ને ફરજ પરનાં મેડિકલ ઓફિસરે મૃત જાહેર કર્યા હતાં.
કોદાળી, દાતરડું અને લોખંડના પાઈપ વડે આડેધડ ઘા મારી દોઢ વર્ષની દિકરી પરથી પિતાની છત્રછાયા ઝુંટવી લીધી…
કેશોદ પોલીસ સ્ટેશન ના પીએસઆઈ એસ કે મહેતા એ નયનાબેન નીલેશભાઈ વાઢીયા ઉંમર વર્ષ ૩૦ , રહેવાસી પીપલીયાનગર, માંગરોળ રોડ કેશોદ ના નિવેદન નોંધી ઈન્ડિયન પીનલ કોડની કલમ ૩૦૨,૩૮૪,૫૦૬(૨), ૩૨૩,૧૧૪ અને ગુજરાત નાણાંની ધીરધાર કરનાર અંગેના અધિનિયમ ની કલમ ૪૦,૪૨ જીપીએ એકટની કલમ ૧૩૫ હેઠળ હરદાસભાઈ પીઠાભાઈ નંદાણીયા, મહેશભાઈ હરદાસભાઈ નંદાણીયા, દીનેશભાઈ હરદાસભાઈ નંદાણીયા,જાનીબેન હરદાસભાઈ નંદાણીયા રહેવાસી તમામ બામણાસા તાલુકો કેશોદ પતિ પત્ની અને બન્ને પુત્રો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)