કેશોદના શરદચોક વિસ્તારમાં આવેલા શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરના પટાંગણમાં દેવઉઠી એકાદશી નિમિત્તે રાત્રે તુલશીવિવાહ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદના ગોપી ગૌસેવા ગૃપ દ્વારા ભગવાન ની જાન જોડીને નિલકંઠ મહાદેવ મંદિર ખાતેથી વરઘોડો કાઢવામાં આવ્યો હતો. શ્રી વાઘેશ્વરી મંદિર ખાતે ભગવાન ના સામૈયા યજમાન પરિવાર ધર્મેશભાઈ જોષી દ્વારા વિધિવત કરવામાં આવ્યું હતું. પૌરાણિક શાસ્ત્રો અને વેદ પુરાણોમાં દેવઉઠી એકાદશી નિમિત્તે તુલશીવિવાહ નું મહત્વ દર્શાવવામાં આવ્યું છે એ મુજબ જલંધર નામના શક્તિશાળી અસુરનો વિવાહ વૃંદા નામની એક કન્યા સાથે થયો હતો. વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી.
વૃંદાની ભક્તિ અને સતીત્વના બળ પર જલંધર અજેય બની ગયો. બધા દેવતા તેનાથી કંટાળી ચૂક્યા હતા. એકવાર તેણે પાર્વતી માતા પર કુદૃષ્ટિ નાખી તો ત્રિદેવોએ તેના વધની યોજના બનાવી. ભગવાન શિવે તેની સાથે યુદ્ધ કર્યુ જેમાં તેઓ હારી ગયા. બધા દેવતા દુ:ખી થઈને ભગવાન વિષ્ણુની શરણમાં પહોંચ્યા. વિષ્ણુએ પોતાની માયાથી જલંધરનો રુપ ધારણ કરી લીધુ. ત્યારબાદ તેમણે વૃંદાના સતીત્વને ભંગ કરી નાખ્યું તો જલંધરની શક્તિ ધીરે-ધીરે ક્ષીણ થવા લાગી અને તે દેવતાઓ સાથેના યુદ્ધમાં મરણ પામ્યો. ત્યાં સુધી વૃંદા વિષ્ણુ ભગવાનના છળને સમજી ચૂકી હતી. પતિના મોતથી દુ:ખી વૃંદાએ ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપી આપી દીધો.
દેવતાઓની વિનંતી અને માતા લક્ષ્મીની હાલત જોઈને વૃંદાએ પોતાનો શ્રાપ પાછો લઈ લીધો. પરંતુ ભગવાન વિષ્ણુ તેમના કર્યાનું પ્રાયશ્ચિત કરવા માગતા હતા.તેમણે વૃંદાના શ્રાપને જીવિત રાખવા માટે પોતાની જાતને એક શાલિગ્રામ સ્વરુપમાં પ્રકટ કર્યો જે શાલિગ્રામ કહેવાયું. દુ:ખી વૃંદા પોતાના પતિ જલંધરની સાથે જ સતી થઈ ગઈ. વૃંદાની રાખથી તુલસીનો છોડ ઉત્પન્ન થયો. વૃંદાનું માન જાળવવા માટે દેવતાઓએ શાલિગ્રામ સ્વરુપી વિષ્ણુ ભગવાનનો વિવાહ તુલસી સાથે કરાવ્યો. તેને દેવઊઠી અગિયારસ કહેવાય છે. ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું હતું કે, ‘આવતા જન્મમાં તમે એક છોડ સ્વરુપે પ્રકટ થશો.
જેનું નામ હશે તુલસી. તમે મને લક્ષ્મી કરતા વધારે પ્રિય હશો,તમારું સ્થાન મારા માથા પર રહેશે. આટલું જ નહીં હું તમારી વગર કોઈ જ પ્રકારનું વુંભોજન પણ નહીં કરું. તેથી જ ભગવાન વિષ્ણુ કે તેમના તમામ અવતારની પૂજાના પ્રસાદમાં તુલસી હોવી અનિવાર્ય છે. કેશોદના વાઘેશ્વરી માતાજીના મંદિરના પુજારી પંકજભાઈ મહેતા, ઉમંગ ભાઈ મહેતા, કર્મેશભાઈ મહેતા ઉપરાંત ગોપી ગૌસેવા ગૃપ ના ટ્રસ્ટીઓ કાર્યકરો દ્વારા સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. કેશોદના ભાવિકો ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)