કેશોદ
કેશોદના વાસાવાડી પ્લોટમાં ૫૦મો રામદેવપીરનો મંડપ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો ભક્તો ઉમટ્યાં હતાં. કેશોદ શહેરમાં વાસાવાડી પ્લોટમાં આવેલાં રામદેવપીરનાં મંદિર નાં પટાંગણમાં ૫૦મો ભવ્ય લોકમેળો અને મંડપ યોજાયો હતો. ભાદરવા સુદ અગિયારસનાં દિવસે દર વર્ષે રામદેવપીરનો મંડપ યોજાતો હોય છે.કેશોદના વાસાવાડી પ્લોટમાં યોજાયેલા લોકમેળા માં નાનાં નાનાં બાળકોને માટે રમકડાં, ખાણીપીણી નાં સ્ટોલ ઉપરાંત સામાન્ય ઘરવપરાશ ની વસ્તુઓનાં સ્ટોલ પર ભીડ જોવા મળી હતી.શ્રી રામદેવપીરનાં મંડપ પ્રસંગે ભાવિકો ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. કેશોદ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં થી પણ લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું.વહેલી સવારે શુભ મુહૂર્તમાં મંડપ ખડો કરવામાં આવતો હોય વહેલી સવારથી ભાવિકો ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં .કેશોદ ના વાસાવાડી પ્લોટમાં રામદેવ પીરનો મંડપ ખડો કરવામાં આવતાં જ ભાવિકો ભક્તો અબીલ ગુલાલ ની છોળો વચ્ચે ઝુમી ઉઠ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. કેશોદ પોલીસ સ્ટેશન નાં પોલીસ ઇન્સ્પેક્ટર બી એ જાદવ ની રાહબરી હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.સોરઠ માટે ઐતિહાસિક કહી શકાય એવાં છેલ્લાં પચાસ વર્ષથી અવિરતપણે યોજાતાં રામદેવપીરના મંડપ ઉત્સવમાં લોકોની ભીડ વચ્ચે કેશોદ પોલીસ અને હોમગાર્ડ જીઆરડી જવાનો સહિત સ્વયંસેવકો ખડેપગે હોઇને કોઇપણ પ્રકારની અવ્યવસ્થા સર્જાઇ ન હતી. તમામ ધર્મ, કોમનાં લોકોમાં હિંદવાપીર તરીકે પૂજાતા રામદેવજી મહારાજ રૂદ્રના બારમા અવતાર કિલ્ક અવતારરૂપે પણ પૂજાય છે. તો વૈષ્ણવો તેને દ્વારકાધશિ તરીકે પૂજે છે.
કેશોદના વાસાવાડી પ્લોટમાં રામદેવજી મહારાજના યજ્ઞમંડપનું વાસાવાડી પ્લોટમાં ઓળખાતી જગ્યામાં આયોજન કરવામાં આવ્યું હતું. મંડપની સ્થાપના થયા બાદ સતત નવ દિવસ સુધી રાત્રીના સમયે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદના વાસાવાડી પ્લોટમાં રામદેવપીરના મંડપ પ્રસંગે યોજાયેલા સ્વયંભુ લોકમેળામાં સૌરાષ્ટ્રના નામાંકિત કલાકારો ના રાધે કિર્તન મંડળ દ્વારા કાન ગોપી કાર્યક્રમો રજુ કર્યા હતા. રાત્રીનાં મંડપ ઉત્સવને માણવા લોકો ઉમટી પડ્યા હતા. આ હકડેઠઠ મેદની સવારે મંડપ ખડો થવાના મુહુર્ત સમયે પણ બરકરાર રહેવા પામી હતી. લાખો ભાવિકો ભક્તો લોકોએ દર્શનનો લાભ લીધો હતો. કેશોદ વાસાવાડી રામદેવપીર સેવા સમિતિના હોદેદારો અને સ્વયંસેવકોએ કાબિલેદાદ વ્યવસ્થા જાળવી ધાર્મિક પ્રસંગને યાદગાર બનાવી દીધો હતો. યજ્ઞમંડપમાં સંખ્યાબંધ ડબ્બા ઘી, સંખ્યાબંધ વધુ ડબ્બા ગોળના ઉપયોગથી બનાવવામાં આવેલી પ્રસાદીનો બહોળા પ્રમાણમાં ભાવિકોએ લાભ લીધો હતો. સોરઠના ગ્રામ્ય વિસ્તારોમાં મંડપનું ભારે મહત્વ છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોથી હવે શહેરીજનો પણ આ ધાર્મિક ઉત્સવને માણવા ઉમટી પડે છે. મંડપની સ્થાપના વિધિ સમયે બ્રાહમણ દ્વારા વેદરૂચાના ગાન સાથે સૌ પ્રથમ ભૂમિપૂજન કરાય છે. જેમાં ખાડો ખોદી કળશ, શ્રીફળ, સોપારી, ચાંદીના ગાય, કાચબો, સાથીયો, ચણોઠી, દુવૉ, પંચામૃત વગેરે પધરાવી તેના પર પથ્થરની પાટ પધરાવાય છે. તેના પર (બાવન) હાથ લાંબો લાકડાનો અખંડ સ્તંભ મૂકાય છે. જ્યાં ગણેશ ભગવાન અને રામદેવપીરજીનું સ્થાપન કરી સવાર-સાંજ વિધિવત પૂજા કરાય છે. આ બંને સમયે ધજાજીની નગર શોભાયાત્રા સામૈયારૂપે ફરે છે. ત્યાર બાદ ગામની ચતુર્દિશા ફરતે ગંગાજળ, પંચામૃતની ધારા કરાવી સમગ્ર ગામને પવિત્ર કરાય છે. સ્તંભ, ગુરૂદ્વાર ભંડારા દરેક જગ્યાએ અખંડદીપ પ્રજવિલ્લત રખાય છે. એમ કહેવાય છે કે, આ ત્રણે સ્થળોએ કાળોતરો નાગ પણ પોતાનું વિષ મુકી દે છે. મંડપની સ્થાપનાથી વિરામ સુધી ભંડારામાં બંન્ને સમય પ્રસાદ – ચા – પાણી સાથે સંતવાણીની ધારા અસ્ખલિત વહેતી રહે છે. તમામ ધર્મ, કોમનાં લોકોમાં હિંદવાપીર તરીકે પૂજાતા રામદેવજી મહારાજ રૂદ્રના બારમા અવતાર કિલ્ક અવતારરૂપે પણ પૂજાય છે. કેશોદ વાસાવાડી પ્લોટ રામદેવપીર સેવા સમિતિના હોદેદારો દ્વારા સર્વે દાતાઓ વહીવટી તંત્ર નો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)