કેશોદના સિલોદર પાણખાણ રોડ ધોવાઈ જતાં વાહનચાલકો અને ગામવાસીઓ પરેશાન.

કેશોદ

કેશોદના સિલોદર પાણખાણ રોડ પર પસાર થતી નોરી નદીમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે ઘોડાપુર આવતાં રસ્તો સદંતર બંધ થઈ ગયો હતો અને સિલોદર ગામ સંપર્કવિહોણુ બન્યું હતું. નોરી નદીમાં પુરનું પાણી ઓસરતાં સિલોદર પાણખાણ રોડ ધોવાઈ જતાં મસમોટા ખાડાઓ પડી જવાની સાથે બિસ્માર હાલત થઈ ગયેલી છે. સિલોદર ગામવાસીઓ અને આગેવાનોએ જવાબદાર તંત્ર ને રજુઆત કરી હોવાછતાં આજદિન સુધી કોઈ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી.

જવાબદાર તંત્ર ને રજુઆત કરવા છતાં મરામત કરવામાં ન આવતાં આકસ્મિક ઘટના થવાની સંભાવના.

સિલોદર પાણખાણ રોડ પર કાયમી ધોરણે પસાર થતાં સંખ્યાબંધ વાહનચાલકો અને પોતાના ખેતરમાં ખેતીકામ માટે જતાં ખેડૂતો તંત્રની બેદરકારી અને કુંભકર્ણ ની નિદ્રા ને કારણે હેરાન પરેશાન થઈ રહ્યાં છે. કેશોદના સિલોદર પાણખાણ રોડ પર આવેલ નોરી નદી પરના પુલને ઉંચો અને પહોળો બનાવવામાં આવે તો ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા નો કાયમી ધોરણે હલ થાય એમ છે. કેશોદના માંગરોળ રોડ પરથી સિલોદર પાણખાણ થઈને જેતપુર સોમનાથ ફોરલેન રોડ પર સહેલાઈથી પહોંચી શકાય તેમ છે ત્યારે પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓ આ રોડને પહોળો ડબલ ટ્રેકનો બનાવવા દરખાસ્ત કરી મંજૂર કરાવે તો કેશોદ શહેરી વિસ્તારમાં ટ્રાફિક ઘટી જાય અને વાહનચાલકો ને સુગમતા અને સુવિધા ઉપલબ્ધ થઈ શકે એમ છે ત્યારે પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓ ની ઈચ્છાશક્તિ કેટલી પ્રબળ છે એ તો આવનારા દિવસોમાં ખબર પડશે…

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)