જૂનાગઢ જિલ્લાના કેશોદના માણેકવાડા ગામે છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બની રહેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી સોના ચોરીનો ભેદ કેશોદ પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસની સંયુક્ત કામગીરીથી ગણતરીના કલાકોમાં ઉકેલાઈ ગયો છે.
મળતી માહિતી અનુસાર, કેશોદના માણેકવાડા ગામનો યુવાન જીગ્નેશભાઈ નાથાભાઈ કુછડીયા રાજકોટની એક ગોલ્ડ એક્ષ્પોર્ટ કંપનીમાં મુંબઈ ખાતે સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો. કંપનીના સોનાના દાગીનાની મોટી કિંમતના જથ્થા સાથે મૌકો મળતાં જીગ્નેશભાઈ મુંબઇમાંથી સોનુ લઈને નાસી ગયો હતો.
મહારાષ્ટ્ર રાજ્યના એમ.એચ.બી. કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને કંપનીના અધિકારીઓ ફરિયાદ સાથે મહારાષ્ટ્ર પોલીસને કેશોદ પોલીસ સાથે સંપર્કમાં રાખી તપાસમાં ઝડપ લાવી હતી.
કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એ. જાદવ અને એલ.સી.બી. જુનાગઢના પો.ઇન્સ્પેક્ટર જે.જે. પટેલના માર્ગદર્શન હેઠળ ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.
કેશોદના માણેકવાડા ગામેથી આરોપી જીગ્નેશભાઈ કુછડીયા તથા યશ જીવાભાઈ ઓડેદરાને ઝડપી લીધા હતા. તેમની પાસેથી એક કિલો સોનુ જપ્ત થયું હતું. પુછપરછ દરમિયાન ખુલાસો થયો કે બાકીનું સોનુ જીગ્નેશના પિતા નાથાભાઈ હરદાસભાઈ કુછડીયા પાસે છે. બાદમાં નાથાભાઈને પણ પકડી બાકીનું સોનુ કબ્જે કરાયું હતું.
પોલીસે કુલ 13 કિલો 455 ગ્રામ સોનુ, અંદાજિત કિંમત રૂ. 13,34,62,327/- વાળો સમગ્ર મુદામાલ 100% કબજે કર્યો છે. આરોપીઓને મહારાષ્ટ્ર પોલીસે ટ્રાન્ઝિટ વોરંટ લઈને કસ્ટડીમાં લઇ ગયા છે.
કેશોદ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક બી.સી. ઠક્કરના માર્ગદર્શન હેઠળ કાર્યરત ટીમે મહારાષ્ટ્ર પોલીસના સહકારથી આ સફળ કામગીરી ગણતરીના કલાકોમાં પૂર્ણ કરી, સમગ્ર મુદામાલ સુરક્ષિત રીતે ભરપાઈ કરાવ્યો છે.
બી.સી. ઠક્કર (DYSP કેશોદ)એ જણાવ્યું હતું કે – “આ ચોરીના ભેદ ઉકેલવા માટે કેશોદ પોલીસના જવાનોએ સતત વોચ અને સઘન કામગીરી કરી હતી. ટૂંકા સમયમાં આરોપીઓ ઝડપાયા અને સમગ્ર મુદામાલ કબજે કરાયો તે આપણાં પોલીસ દળની તત્પરતાનું ઉત્તમ ઉદાહરણ છે.”
કેશોદ પોલીસની આ કામગીરી માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
સંવાદદાતા: જગદીશ યાદવ, જૂનાગઢ