જૂનાગઢ જિલ્લામાં આવેલ કેશોદ તાલુકાની અનેક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. પ્રાથમિક શિક્ષણ અને નાનાં ભૂલકાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આયોજિત આ ઉત્સવમાં પી.એમ. શ્રી કણેરી પ્રાથમિક શાળા, અજાબ પે સેન્ટર શાળા, શેરગઢ સીમ શાળા, કન્યા શાળા તથા હાઇસ્કૂલ જેવા શિક્ષણ સંસ્થાઓએ ભાગ લીધો.
આ અવસરે મુખ્ય અતિથિ તરીકે કેશોદના પ્રાંત અધિકારી, મામલતદારશ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (TPO) શ્રી જોગિયા, રૂટ લાઈઝન ઓફિસર, BRC કો-ઓર્ડીનેટર ડો. બી.એ. નંદાણિયા અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવા પ્રવેશ લેનારા બાળકોને શૈક્ષણિક કીટ આપી, વિદ્યા પ્રવેશનો શુભારંભ કરાવ્યો.
આ શૈક્ષણિક કીટમાં બેગ, નોટબુક, પેનસિલ, રબર જેવી જરૂરી શૈક્ષણિક સામગ્રી સમાવિષ્ટ હતી. આ કિટ આપવાથી બાળકોમાં નવી શાળા જીવનની શરૂઆત માટે ઉત્સાહ જોવા મળ્યો.
આ સાથે પી.એમ. શ્રી કણેરી પ્રાથમિક શાળામાં નવા બંધાયેલા ઇન્ડોર ગેમ્સ હોલનું પ્રાંત અધિકારીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું, જેનો લાભ વિદ્યાર્થીઓના શારીરિક વિકાસ માટે મળશે.
આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના શિક્ષકવૃંદ, વાલીઓ, ગ્રામજનો તેમજ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શિક્ષણ પ્રત્યેના સમર્પણ અને વિદ્યાર્થી હિત માટેના જિજબંધીના દાખલા રૂપ રહ્યો.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ