કેશોદ તાલુકામાં ૧૮૧ મહિલા હેલ્પલાઇન સેવાના કુશળ કાઉન્સિલિંગ દ્વારા અભયમ ની ટીમે રાહ ભટકી ગયેલા યુવાનને સામાજીક જવાબદારીનું ભાન કરાવ્યુ.

જૂનાગઢ

જૂનાગઢ મહિલા હેલ્પલાઇન સેવા ૧૮૧ ખરા અર્થમાં મહિલાઓ માટે મદદરૂપ બની રહી છે તેની સાથોસાથ અનેક પરિવારોમાં થતા સામાન્ય ઝઘડાઓ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે ત્યારે ૧૮૧ ની ટીમની સહાયતાથી આવા ઝઘડાઓ શાંત પડે છે તેની સાથોસાથ ભાંગતા પરિવારો પણ બચે છે તેનાથી સમાજને ખૂબ મોટો ફાયદો થઈ રહ્યો છે આવો એક કિસ્સો કેશોદ તાલુકામાં બન્યો છે કે જેમાં એક યુવાનને પતિ અને પિતા તરીકેની જવાબદારી નું સાચું ભાન ૧૮૧ની ટીમે કરાવતા તેની પત્નીએ અભયમની ટીમનો દિલથી આભાર માન્યો હતો.

કેશોદ તાલુકાના એક ગામડામાંથી એક મહિલાએ ૧૮૧ અભયમ ટીમની એવી મદદ માગી હતી કે તેના પતિને સમજાવવા માટે મદદરૂપ બને. એ મહિલા શ્રમિક પરિવારની હતી અને મજૂરી કરવા માટે જાય ત્યારે તેનો પતિ તેના ચારિત્ર્ય સંબંધી વારંવાર શંકા ને લીધે દંપતિ વચ્ચે અવારનવાર નાના મોટા ઝઘડાઓ થતા હતા અને તેની અત્યંત ગંભીર એવી સીધી અસર તેમના સંતાનો ઉપર થતી હતી. મહત્વની બાબત એ હતી કે આ પરિવાર આર્થિક રીતે નબળો હતો તેથી મહિલાએ ફરજિયાત પણે મજૂરી કર્યા સિવાય કોઈ છૂટકો નહોતો અને તેથી જ્યારે જ્યારે તે મજૂરીએ જતી ત્યારે ત્યારે પતિ દ્વારા થતી શંકાને લીધે માથાકૂટ વધતી જતી હત

આ બાબતે વારંવાર ઝઘડા થતા હોવાથી આ મહિલા કંટાળી ગઈ હતી અને વધુ એક ઝઘડો થતાં પતિ પોતાની જવાબદારીમાંથી વિમુખ થઈ ગયો હતો અને પત્ની તથા તેની ત્રણ દીકરીઓને છોડીને પોતાના ભાઈઓના ઘરે રહેવા ચાલ્યો ગયો હતો. બે ત્રણ દિવસ એ યુવાન ત્યાં રહ્યો હતો અને ઘરે પાછો આવ્યો ન હતો એ દરમિયાન તેની પુત્રીને શિષ્યવૃત્તિ મેળવવા માટે ના અગત્યના દસ્તાવેજ ની જરૂર પડી હતી તે ઉપરાંત આ કામમાં પિતાએ ફરજિયાત પણે ત્યાં હાજર રહેવાનું હોવાથી તેને જાણ કરી હતી પરંતુ પિતાએ પુત્રી સાથે આવવાની ચોખ્ખી ના પાડી દેતા પરિસ્થિતિ વધુ બગડી ગઈ હતી. આથી આ યુવાનની પત્નીએ વધુ એક વખત પતિને સમજાવવાની કોશિશ કરી હતી પરંતુ ઝઘડાનો ઉકેલ આવવાને બદલે વધુ ઉગ્ર માથાકૂટ થઈ હતી.

ગત માસમાં શાળામાં કરવામાં આવેલ જાગૃતિ કાર્યક્રમના લીધે તેની પુત્રીને ૧૮૧ અભયમ સેવા અંગે માહિતી મળી હતી તેથી તેના પુત્રી એ તેની માતા ૧૮૧ અભયમ સેવા વિશે જાણ કરી હતી અને એવું જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ 181 મહિલા અભયમ હેલ્પલાઇન આપણા માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થશે. તેથી આ મહિલાના જીવમાં જીવ આવ્યો હતો અને અંતે તેણે 181 ની મદદ માંગી હતી ત્યારે તેમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા કાઉન્સેલર દક્ષાબેન ચાવડા સહિત સ્ટાફ તાત્કાલિક મહિલાની મદદ માટે ત્યાં દોડી ગયો હતો અને એ મહિલા અને તેની પુત્રીઓને સાંત્વના આપવાની સાથો સાથ આશ્વાસન આપ્યું હતું અને કાઉન્સેલિંગ કરીને સમગ્ર હકીકત અને તેની સમસ્યાઓ અને કેસની વિગત ઊંડાણથી જાણી હતી. ત્યારબાદ એવો નિષ્કર્ષ આવ્યો હતો કે મહિલાના પતિને સમજાવો અને કાઉન્સેલિંગ કરવું ખાસ જરૂરી છે આથી કાઉન્સેલર દક્ષા ચાવડા એ તે મહિલાના પતિ સાથે વાતચીત કરી હતી અને એક પતિ અને પિતા તરીકેની સાચી જવાબદારીનું ભાન કરાવ્યું હતું. એટલું જ નહીં પરંતુ પત્નીના ચારિત્ર્ય ઉપર વારંવાર ખોટી શંકા કુશંકા કરવી એ એક પ્રકારનો ગંભીર ગુન્હો છે અને તેમાં કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે તેની સમજ આપી હતી. લગ્નજીવન દરમ્યાન સંસારમાં નાના-મોટા ઝઘડાઓ થતા હોય છે પરંતુ તેને મોટું સ્વરૂપ આપવું જોઈએ નહીં તેવી પણ વિસ્તૃત સમજ આપી હતી. એટલું જ નહીં પરંતુ જો તે દસ્તાવેજ આપે નહીં તો તેનાથી તેની પુત્રીના અભ્યાસ ઉપર પણ માઠી અસર થઈ શકે છે તે અંગેની સમજ અપાઈ હતી.
અભયમ સેવાના કાઉન્સેલર દક્ષા ચાવડાની સમગ્ર વાત એ યુવાનના ગળે ઉતરી હતી અને તેને જવાબદારીનું ભાન થયું હતું તેથી તેણે પોતાની ભૂલ સ્વીકારીને જણાવ્યું હતું કે હું મારી પત્ની ના ચારિત્ર્ય ઉપર કારણ વગર ખોટી શંકા કુશંકા કરું છું હવે ફરીથી આવું ક્યારેય કરીશ નહીં અને હું અત્યારે જ મારી પત્ની અને પુત્રીઓ સાથે ઘરે રહેવા ચાલ્યો જઈશ અને મારી ફરજ અને જવાબદારીને યોગ્ય રીતે નિભાવીશ.
ત્યારબાદ એ યુવાન પત્ની અને પુત્રીઓ સાથે રહેવા ચાલ્યો ગયો હતો અને હસી ખુશીથી રહેવા લાગ્યો હતો. તેનું ફોલોઅપ પણ અભયમની ટીમે લીધું હતું.

આમ મહિલા હેલ્પલાઇન સેવા એ એક પરિવારને તૂટતો બચાવ્યો છે અને મહત્વની સામાજિક જવાબદારી અદા કરી છે.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)