કેશોદ નગરપાલિકા વિસ્તારમાં વેરાઓ ઘટાડવા હિતરક્ષક સમિતિ ની માંગણી…

જૂનાગઢઃ

સતાધીશો દ્વારા દશ દિવસમાં નિર્ણય ન કરે તો વાંધા અરજીઓ આપવાની તૈયારી.

કેશોદ શહેરમાં વસતાં ચાલીસ હજાર થી વધારે ટેક્ષ પેયર મિલ્કત ધારકો પાસેથી સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધારે બ વર્ગની નગરપાલિકા હોવાછતાં કેશોદ નગરપાલિકા દ્વારા વસુલવામાં આવતો હોય કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા એ વિરોધ નોંધાવી શહેરમાં છાવણીઓ ઉભી કરી વાંધા અરજીઓ એકઠી કરી રજુઆત કરી હતી અને અચોક્કસ મુદતની ભુખ હડતાલ શરૂ કરતાં અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા વહીવટી પ્રક્રિયા કરી રાહત આપવા લેખિત બાંહેધરી આપી હતી. કેશોદ નગરપાલિકા ના કારોબારી સમિતિના ચેરમેન મોહનભાઈ બુટાણી એ બેઠક બોલાવી તારીખ ૧૯/૭/૨૦૨૧ નાં રોજ ઠરાવ કરી સફાઈ કર રહેણાંક મિલ્કત પર વાર્ષિક ૨૦૦/- રૂપિયા અને બિન રહેણાંક મિલ્કત પર વાર્ષિક ૩૦૦/- રૂપિયા તથા દિવાબતી કર રહેણાંક મિલ્કત પર વાર્ષિક ૧૫૦/- રૂપિયા અને બિન રહેણાંક મિલ્કત પર વાર્ષિક ૨૫૦/- રૂપિયા ઉપરાંત વેરાઓ માં દર બે વર્ષે ૧૦% નો વધારો કરવામાં આવે છે તે દર પાંચ વર્ષે ૫% વધારો લાગુ કરવાનું ઠરાવવામાં આવ્યું હતું

જે ઠરાવને તારીખ ૨૯/૧૨/૨૦૨૧ સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ છે.

હાલ કેશોદ નગરપાલિકા સત્તાધિશો દ્વારા છેલ્લાં બે વર્ષથી આ સુધારા મુજબ વેરો વસુલવામાં ન આવતો હોય કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા દ્વારા સંબંધ કર્તા કચેરીમાં લેખિતમાં રજૂઆત કરી દિવસ દશમાં પ્રત્યુતર આપવા માંગ કરી છે. કેશોદ નગરપાલિકા અને જવાબદાર કચેરી દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવશે નહીં તો સમગ્ર શહેરમાં મુખ્ય વિસ્તારોમાં છાવણી ઉભી કરી વાંધા અરજીઓ એકઠી કરી ધોરણસરની રજુઆત કરવામાં આવશે અને જરૂર પડ્યે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. કેશોદ નગરપાલિકા દ્વારા સામાન્ય વહીવટી કામગીરી માટે અરજદાર જાય તો ગેરબંધારણીય રીતે વેરો ફરજિયાત ભરાવવામાં આવતો હોવાની રજૂઆત લોગ પાર્ટીના અલ્પેશભાઈ ચંદુભાઈ ત્રાબડીયા એ લેખિતમાં કરી છે. આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા વસુલવામાં આવતાં વેરાઓ અધધધ થતાં શહેરના મિલ્કત ધારકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવે છે કે કેમ એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે…

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)