કેશોદ નગરપાલિકા સંચાલિત ટાઉનહોલ ઉદઘાટન ની રાહ જોવે છે.ટાઉનહોલ પાંચેક માસથી તૈયાર છતાં અલીગઢીયા તાળાં.

કેશોદ

ગુજરાત સરકાર ની સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે ટાઉનહોલ માંગરોળ રોડ પર શરદચોક પાસે તકિયા તરીકે ઓળખવામાં આવતી સરકારી જગ્યામાં બનાવવામાં આવેલ છે. કેશોદ નગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદ ના નામ સાથે જોડી સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ નામકરણ પણ કરેલ છે. કેશોદ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ પાંચેક મહિના થી તૈયાર થઈ ગયેલ છે ત્યારે ઉદઘાટન ની રાહમાં અત્યારે તો અલીગઢીયા તાળાં લગાવી દેવામાં આવ્યાં છે.

કેશોદ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ ટાઉનહોલમાં સેન્ટ્રલ એરકન્ડિશન, ૩૫૬ ખુરશીઓ, પાર્કિંગ વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, સાઉન્ડ સીસ્ટમ, લાઈટીંગ વ્યવસ્થા સાથે આધુનિક ટાઉનહોલ બનાવવામાં આવેલ છે ત્યારે થોડાં દિવસોમાં ધાર્મિક તહેવારો શરૂ થવા જઈ રહ્યાં છે અને હાલ ચોમાસામાં જાહેર સ્થળોએ કાર્યક્રમો નું આયોજન સંભવિત ન હોય ત્યારે નવો બનાવવામાં આવેલ સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ નું લોકાર્પણ કરવામાં આવે તો વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન થઈ શકે એમ છે. કેશોદ વાસીઓની સુખાકારી અને સવલતોમાં ઉમેરો કરવાના હેતુથી બનાવવામાં આવેલ સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ નું લોકાર્પણ વહેલી તકે કરવામાં આવે એવી કલા રસિકો દ્વારા માંગ ઉઠી રહી છે. ચાલીસેક વર્ષ પહેલાં ચાર ચોકમાં ટાઉનહોલ હતો જે તોડી પાડી શોપિંગ સેન્ટર અને ઓફિસો બનાવવામાં આવી છે ત્યારે નવો બનાવવામાં આવેલ સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ વહેલાસર લોકાર્પણ કરવામાં આવે તો તહેવારો ની રજાઓ માં આયોજકો દ્વારા વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવશે તો રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ માતબર રકમ લોકોને ઉપયોગી સાબિત થશે.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)