કેશોદ પોલીસ દ્વારા ‘ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી’ અંતર્ગત સંવાદ કાર્યક્રમ યોજાયો.

કેશોદ

ગુજરાત રાજ્યના યસ્શવી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એકાદ વર્ષ પહેલાં ગુજરાત પોલીસના પોલીસ કોમ્યુનિટી પોર્ટલ ‘ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી’ નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે ત્યારથી પોલીસ અધિકારીઓ સીધો લોકો સાથે સંવાદ યોજી કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અનુરૂપ સુચનાઓ આપવામાં આવે છે. જુનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા ની ઉપસ્થિતિમાં કેશોદ ખાતે ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી અંતર્ગત સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જુનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા નું પુષ્પગુચ્છ આપી સ્વાગત કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બી સી ઠકકર દ્વારા અને ડીવાયએસપી બી સી ઠકકર નું પોલીસ ઈન્સપેકટર પી એ જાદવ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યાં બાદ શાબ્દિક સ્વાગત ડીવાયએસપી બી સી ઠકકર દ્વારા કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓથી લઈને નાનામાં નાના પોલીસ કર્મી સુધી સૌ પ્રજાહિત અને સમાજ જીવનની શાંતિ- સુરક્ષાની સમાન વિચારધારા સાથે કાર્યરત રહી ડ્રગ્સના દૂષણ સામે ઝીરો ટોલરન્સની નીતિથી પેશ આવી ડ્રગ પેડલર્સના મૂળ સુધી પહોંચી દુષણ દુર કરવા ઉપરાંત સાયબર ક્રાઈમ હેઠળ નાનાં અને મધ્યમ વર્ગના લોકો છેતરપિંડી ના ભોગ બની રહ્યાં છે જેમાં જાગૃતતા લાવવા અને ગુનાખોરી અટકાવવા અને ગુનેગાર ની ઓળખ મેળવી ધોરણસરની કાર્યવાહી કરવામાં અને કાયદાકીય રીતે માહિતગાર કરી સામાન્ય લોકોનો વિશ્વાસ મેળવવા કેશોદ ખાતે લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જુનાગઢ જીલ્લા પોલીસ તંત્ર ની સાથે કેશોદ પોલીસ વિભાગ શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યું છે. ટેકનોલોજી નો મહત્તમ ઉપયોગ અને અન્ય વિભાગો સાથે પોલીસ દળના સંકલન કરી લોકોની સુખાકારી માટે કેશોદ પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે. કેશોદ શહેર અને આસપાસના વિસ્તારમાં કેશોદ પોલીસ વિભાગ નું મહત્વનું યોગદાન રહ્યું છે પરિણામ સ્વરૂપે કેશોદ આસપાસના વિસ્તારમાં ઔદ્યોગિક એકમો અને વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિ થઈ રહી છે. જુનાગઢ જીલ્લા પોલીસની આગવી પહેલરૂપ પોલીસ કોમ્યુનિટી પોર્ટલ ‘ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી’ અંતર્ગત નાગરિકોના પ્રશ્નોનું સીધુ નિરાકરણ આવે અને પોલીસની સમાજ પાસે અપેક્ષાઓ, માહિતીની જાણકારી તેમજ અન્ય પોલીસ કાર્યવાહીમાં મદદરૂપ થઈ શકાય એનો યોજાયેલા લોક સંવાદ કાર્યક્રમમાં પોલીસ વિભાગના અધિકારીઓ અને નગર શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યાં હતાં જયારે પ્રજાના ચુંટાયેલા પદાધિકારીઓ નજરે ચડયા ન હતાં. જુનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા ડ્રગ્સના દૂષણ સામે ઝીરો ટોલરન્સ થી પેશ આવીને મૂળ સુધી પહોંચવાની સાથે સમગ્ર જીલ્લાના યુવાધનને ડ્રગ્સના દુષણથી બચાવવા પોલીસતંત્ર સકારાત્મક ભૂમિકા નિભાવે છે ત્યારે પ્રજાજનો તરફથી સહકાર મળે, ઓટીપી મેળવી થતાં સાયબર ક્રાઈમ ઘટાડવા જાગૃત બનવા છેતરપિંડી નો ભોગ બનો તો તુરંત પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી ગુનેગારોના મુળ સુધી પહોંચવા મદદરૂપ થવા અને સીસીટીવી કેમેરા લોકભાગીદારીથી લગાવી ગુનેગારને ઝડપી લેવામાં મદદરૂપ થવા અપીલ કરી હતી.

કેશોદ પોલીસ વિભાગના પ્રશ્ર્નોમાં નગર શ્રેષ્ઠીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ જેમાં મુખ્યત્વે બાઈક ચોરીનાં ગુનાઓ માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીઓ ને ઝડપી લેવા ખાત્રી આપી હતી, કેશોદ વિસ્તારમાં સગીરાને લલચાવી ફોસલાવીને દુષ્કર્મ આચરવામાં હોટેલ ગેસ્ટ હાઉસ અને ઘરઘરાઉ ચાલતી પ્રવૃત્તિઓ અટકાવવા કડક સુચના આપવામાં આવી હતી અને સગીર વયના વિધાર્થીઓ દ્વારા મોટરસાયકલ નો ઉપયોગ શૈક્ષણિક સંકુલ સુધી આવવા જવામાં કરવામાં આવે છે એ દિશામાં વાલીઓ વિધાર્થીઓ ને જાગૃત કરવા અને અંતે ધોરણસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી તદ્દઉપરાંત વ્યવસાયિક પ્રતિષ્ઠાન ધરાવતાં વેપારીઓ પાસેથી મોટી રકમના ચેક આપી માલ ખરીદી કરી ચેક કરીઅર ન થતાં વેપારીઓ આર્થિક રીતે નુકસાની વેઠી કાયદાકીય કાર્યવાહી પાછળ હેરાન પરેશાન થાય છે જે છેતરપિંડી ની પધ્ધતિથી કામ કરતાં લોકોને ઓળખી ધોરણસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી, કેશોદના ચારચોક વિસ્તારમાં ચાલતાં અંડરબ્રીજના કામને કારણે જાહેર કરવામાં આવેલ ડાયવર્ઝન પર સર્જાતી ટ્રાફિક સમસ્યા દૂર કરવા સુચના આપી હતી

કેશોદ શહેરમાં મહત્વનાં પ્રશ્ર્નોમાં સવારે નવ વાગ્યા થી રાત્રીના નવ વાગ્યા સુધી ભારે વાહનોની પ્રવેશબંધી ફરમાવવાની સાથે સાથે પેસેન્જર વાહનચાલકો દ્વારા આડેધડ વાહનો રાખી લુખ્ખાગીરી કરી વેપારીઓ સાથે અણછાજતુ વર્તન કરવામાં આવે છે અને ઉશ્કેરાઈને હુમલો કરી સામી ફરિયાદ કરી ભયનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે જે ડામવા કડકાઈથી પગલાં લેવા જરૂરી છે અને શહેરમાં પાર્કિંગ માટે નોનહોકીગ અને હોકીંગ ઝોન જાહેર કરવાની સાથે મુખ્ય માર્ગો પર એકી તારીખે જમણી બાજુએ અને બેકી તારીખે ડાબી બાજુ પાર્કિંગ માટે પીળા કલરના પટ્ટા લગાવી અમલવારી કરવામાં આવે તો અડધોઅડધ સમસ્યાઓ ઉકેલી શકાય તેમ છે. ભૌગોલિક વિસ્તાર અને વસ્તીના પ્રમાણમાં સીટી અને તાલુકાનું પોલીસ સ્ટેશન અલગ અલગ કરવાની જરૂરિયાત સર્જાઈ રહી છે. કેશોદમાં કાયદો, વ્યવસ્થા જાળવવામાં ભલામણોની ભરમાર અને કહ્યાગરા કર્મચારીઓ અવરોધરૂપ બની રહ્યાં નો ગણગણાટ સાંભળવા મળ્યો હતો. જુનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે નગર શ્રેષ્ઠીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ સુચનો ધ્યાને લઈ કોઈ જાતની શેહશરમ રાખ્યાં વગર ધોરણસરની કાર્યવાહી કરવા ડીવાયએસપી બી સી ઠકકર ના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેકટર પી એ જાદવને સુચના આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ ભુપેન્દ્રભાઈ જોષીએ કર્યું હતું.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)