કેશોદ પ્રોફેસર એકેડમીની વિદ્યાર્થીની કેશોદમાં પ્રથમ, 100% પરિણામ સાથે સરકારી શાળાઓએ સ્થાપી હતી નવી મિસાલ

કેશોદ, તા. ૦૬ મે ૨૦૨૫:
આજ રોજ ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ધોરણ 12 ના સામાન્ય પ્રવાહ અને સાયન્સના પરિણામોમાં કેશોદ વિસ્તારના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ વર્ષે, સામાન્ય પ્રવાહનું બોર્ડ પરિણામ 93.07% આવ્યું છે, અને કેશોદમાં આ 90% જેટલું નોંધાયું છે.

કેશોદના પ્રોફેસર એકેડમીની વિદ્યાર્થીની સિંધવ ક્રીમ આ વર્ષે 99.80% પીયાર સાથે પ્રથમ ક્રમ પર રહી, જ્યારે બીજા ક્રમમાં જી ડી વાછાણી શાળાની વિદ્યાર્થીની મકવાણા હર્ષિતા 99.75% પીયાર સાથે રહી છે. ત્રીજા ક્રમમાં ડી ડી લાડાણી શાળાના વિદ્યાર્થી સિદ્ધપરા મિત 99.72% પીયાર સાથે રહ્યો છે.

વિશેષ નોંધનીય છે કે કેશોદની સરકારી શાળાઓ, જેમ કે સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ અને સરકારી એલ.કે. હાઈસ્કૂલનું 100% પરિણામ રહ્યું છે, જે એ ક્ષેત્રે એક શ્રેષ્ઠ ઉદાહરણ ગણાય છે.

પ્રોફેસર એકેડમીના સંચાલક અને શિક્ષક પાઘડાર સાહેબનું કહેવું હતું કે, “વિદ્યાર્થીઓની મહેનત અને શિક્ષકોના સતત માર્ગદર્શનના પરિણામે તેઓ કેશોદમાં પ્રથમ ક્રમ મેળવી શક્યા.”

આ સિદ્ધિએ કેશોદમાં શિક્ષણક્ષેત્રે નવા મેડલ અને શક્યતાઓ ઉભી કરી છે.

અહેવાલ :રાવલિયા મધુ, કેશોદ