કેશોદ હિન્દુ સ્મશાન ખાતે મૃતાત્માઓના અસ્થિને પુષ્પાંજલિ કરતાં સદગતના પરિવારજનો.

કેશોદ

કેશોદ ખાતે માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા વર્ષમાં બે વખત ચૈત્ર માસમાં અને ભાદરવા માસમાં હિન્દુ સ્મશાન ખાતે એકત્રિત થયેલાં મૃતાત્માઓના અસ્થિનું વિસર્જન હરીદ્વાર ગંગાજીમાં પીડદાન સાથે શાસ્ત્રોક્ત વિધિ કરી વિસર્જન કરવાની સેવાકીય પ્રવૃત્તિ છેલ્લાં પચ્ચીસ વર્ષથી સ્વખર્ચે કરવામાં આવે છે. કેશોદ હિન્દુ સ્મશાન ખાતે અંતિમ વિદાય આપવા મૃતાત્માઓના અસ્થિનું પુજન અર્ચન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ અને કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી મૃતાત્માઓના અસ્થિના કુંભને હાર પહેરાવી અબીલ ગુલાલ કંકુ ચોખા સાથે પુષ્પાંજલી અર્પણ કરી મોક્ષ પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી.

કેશોદ ખાતે ચૈત્ર માસથી ભાદરવા માસ સુધીમાં છ માસમાં મૃત્યુ પામેલા ૨૫૮ મૃતાત્માઓના અસ્થિનું હરિદ્વાર ખાતે વિસર્જન કરતાં પહેલાં યોજાયેલા પુષ્પાંજલી અર્પણ કરવાના કાર્યક્રમમાં મૃતાત્માઓના પરિવારજનો ઉપસ્થિત રહી ભાવવિભોર બની પુજન અર્ચન કરી અંતિમ વિદાય આપી હતી. કેશોદ માનવ સેવા સમાજ ટ્રસ્ટનાં ટ્રસ્ટી શશીકાંતભાઈ જેસુર દ્વારા કેશોદ માનવ સેવા સમાજ ટ્રસ્ટ ની કામગીરી અને સંસ્થાનો પરીચય આપતાં જણાવ્યું હતું કે દરેક પરિવારમાં જન્મ અને મરણનો સિલસિલો હંમેશા ચક્રની જેમ ચાલતો રહે છે. સમાજમાં લાખો પરિવારો એવા પણ છે કે તેમના સ્વજનના અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર ગંગાજી ખાતે જઇ શકે તેવી ક્ષમતા હોતી નથી. કેટલાક સમાજમાં એવા રૂઢીચુસ્ત વ્યવહાર ઘર કરી ગયા છે કે સ્વજનના અવસાન પછીની ક્રિયા- કરમની વિધિ પાછળ પરિવાર દેવાદાર બની જતો હોય છે. ઉપરાંત આજના આધૂનિક જમાનામાં સમયનો પણ અભાવ વર્તાઇ રહ્યો હોવાથી દરેક લોકો ઇચ્છે તો પણ હરિદ્વાર જઇ શકતા નથી. તેવા આશયથી કેશોદ માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા એક પ્રકારની સમાજ સેવા ઉપાડી લીધી છે અને છેલ્લાં પચ્ચીસ વર્ષથી નિરંતર ચાલી રહી છે. કેશોદના એસટી બસ ડેપોના નિવૃત્ત અધિકારી પંડિતભાઈ દ્વારા હરિદ્વાર ગંગાજી ખાતે મૃતાત્માઓના અસ્થિ વિસર્જન નું શાસ્ત્રોક્ત મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે સનાતન પરંપરામાં માણસ જીવનની શરૂઆતથી લઈને તેની અંતિમ યાત્રા સુધી ગંગાથી જોડાયેલો રહે છે. જીવતા જીવ કોઈ પાપથી મુક્તિ માટે તો કોઈ મોક્ષની કામના લઈને ગંગામાં ડુબકી લગાવે છે. તો અંતિમ સંસ્કાર પછી પણ તેમની અસ્થિઓનું વિસર્જન ગંગામાં કરવામાં આવે છે.જ્યારે પૃથ્વી પર ગંગા અવતરણ થયું. હરિદ્વાર હમેશાથી ઋષિઓની તપસ્થળી રહી છે. હરિદ્વાર ની હરકી પોડીમાં અસ્થિ વિસર્જન કરવાનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે રાજા સાગરના વંશજ રાજા ભગીરથે પોતાના વડવાઓના ઉદ્ધાર માટે કઠિન તપસ્યા કરીને માતા ગંગાને ધરતી પર ઉતારી લાવ્યા હતા.સ્વર્ગથી ઉતરીને માતા ગંગા ભગવાન શિવજી ની જટાઓમાંથી નિકળીને રાજા ભગીરથની પાછળ પાછળ ચાલી નિકળી.જ્યારે રાજા ભગીરથ ગંગા નદીને લઈને હરિદ્વાર પહોંચ્યા તો સાગરના પૌત્રોના ભસ્મ થયેલા અવશેષોને ગંગાનો સ્પર્શ માત્ર થતાં જ તેમનો મોક્ષ થઈ ગયો.એ સ્થળ આ બ્રહ્મકુંડ છે. તે પછી આ પાવનધાટ પર અસ્થિ વિસર્જન થવા લાગ્યું. માન્યતા છે કે જ્યાં સુધી ગંગામાં વ્યક્તિની અસ્થિઓ રહે છે ત્યાં સુધી તે વ્યક્તિ સ્વર્ગની અધિકારિ બન્યું રહે છે. આ પવિત્રતાને ધ્યાનમાં રાખીને અંતિમ સમયે પણ વ્યક્તિના મુખમાં ગંગાજળ નાંખવામાં આવે છે.માનવામાં આવે છે કે અનિષ્ટકારી શક્તિઓ જેવી કે ભૂત-પ્રેત જેવા માટે અસ્થિઓ તથા સૂક્ષ્મ દેહ પર નિયંત્રણ કરીને તેનો દુરપયોગ કરવો આસાન થઈ જાય છે. એવામાં જો અસ્થિઓ ભૂમિ પર એક સાથે મળી જાય તો તેમના દ્વારા અનિષ્ટની આશંકા વધી જાય છે. તો પવિત્ર નદી કે સમુદ્ર આદિના જળમાં અસ્થિ વિસર્જન કરવાથી અસ્થિઓ જળમાં વિખેરાય જાય છે. એવામાં અનિષ્ટકારી શક્તિઓ એકત્રિત થઈ શકતી નથી.આ રીતે મળ્યું બ્રહ્માને વરદાન
પૌરાણિક કથા મુજબ રાજા સ્વેતએ હરકી પોડીમાં ભગવાન બ્રહ્માની ઘોર તપસ્યા કરી હતી. જેનાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને વરદાન માંગવા કહ્યુ હતુ. ત્યારે રાજા સ્વેતે તેમની પાસે હરકી પોડી ઈશ્વરના નામથી ઓળખવામાં આવે, એવું વરદાન માંગ્યુ હતુ. તે સમયથી હરકી પોડીના પાણીને બ્રહ્મકુંડના નામથી ઓળખવામાં આવે છે. કેશોદ ખાતે આલીધ્રા બ્રહ્મચારી બાપુની કૃપાદૃષ્ટિ અને આશીર્વાદથી ચાલતાં ધુન મંડળ દ્વારા રામનામની ધુન બોલાવી હતી. કેશોદ માનવ સેવા સમાજ ટ્રસ્ટ ના શશીકાંતભાઈ જેસુર, રાજુભાઈ બોદર, વિપુલભાઈ ઠુબર, કાંતિભાઈ પંડ્યા સહિત કાર્યકરોએ મૃતાત્માઓના અસ્થિ વિસર્જન પહેલાં અંતિમ પુજન અર્ચન કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

અહેવાલ:-રાવલિયા મધુ (કેશોદ)