પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન હેઠળ શિક્ષણ, આરોગ્ય સહિત વિવિધ ક્ષેત્રોના કામો ખૂલ્લાં મૂકાયાં.
પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન, ગીર સોમનાથ દ્વારા રામનગર પે.સેન્ટર શાળા, કોડિનાર ખાતે સાંસદ રાજેશભાઈ ચૂડાસમાના હસ્તે રૂ.૧૬.૭૩ કરોડના કુલ ૩૨ કામોનું સામૂહિક લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ સામૂહિક લોકાર્પણ અવસરે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લો ખનીજક્ષેત્રે સમૃદ્ધિ ધરાવતો જિલ્લો છે. પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત જિલ્લામાં ખનીજક્ષેત્ર ધરાવતા વિસ્તારનો સંતુલિત વિકાસ થાય તે માટે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ અંતર્ગત શિક્ષણ, આરોગ્ય, સેનિટેશન, સિંચાઈ, જાહેર બાંધકામ સહિત વિવિધ વિભાગોના જરૂરિયાત અનુસાર લોકસુખાકારી કામો હાથ ધરવામાં આવે છે.
કલેક્ટરએ પ્રગતિ હેઠળના તથા ટેન્ડર હેઠળના સોલાર ઈન્ડોર કૂકિંગ સિસ્ટમ સહિત આગામી સમયમાં શરૂ થનાર સ્પીડ બોલ ગેમ, આંગણવાડી કેન્દ્ર બાંધકામ, ટૂરિસ્ટ ગાઈડ તાલીમ, કૌશલ્યવર્ધન તાલીમ સહિતના વિવિધ પ્રોજેક્ટ વિશે વિસ્તૃતમાં માહિતી આપી લોકસુખાકારીના વધુ સારા ગુણવત્તાયુક્ત અને ઝડપી કાર્યો જિલ્લામાં કાર્યરત રહેશે તેવું જણાવ્યું હતું.
અગ્રણી મહેન્દ્ પીઠિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ વિકસિત ગુજરાત સાથે વિકસિત ભારત બનવાની નેમ લઈ નાગરિકો માટે વિવિધ જનકલ્યાણલક્ષી કામો કરવામાં આવે છે. ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન હેઠળ પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત જાહેર બાંધકામ, સિંચાઈ, આંગણવાડી, ખેતીવાડી, પશુપાલન, શિક્ષણ સહિતના વિવિધ લોકસુખાકારી કામોનું આયોજન હાથ ધરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન અંતર્ગત જિલ્લામાં અલગ-અલગ વિભાગના રૂ.૧૬.૭૩ કરોડના કુલ ૩૨ કામો પૂર્ણ કરવામાં આવ્યાં છે. જેમાં જિલ્લાની ૪૫૨ શાળાઓમાં રૂ. ૧૦,૬૩,૮૧,૦૦૦/-ના ખર્ચે કોમ્પ્યુટર લેબ, ઇન્ડોર જિમ્નેશિયમ, નકશા ચાર્ટ, સ્વચ્છતા કિટ, વિજ્ઞાનના સાધનો, લર્નીંગ ડૂઇંગ કિટ, સ્પીડ બોલ ગેમ, સેનેટરી વેડિંગ પેડ અને સોલાર રૂફટોપ, મહિલા અને બાળ કલ્યાણ અંતર્ગત કુલ ૩૨૨ આંગણવાડી કેન્દ્રોમાં રૂ. ૩,૮૯,૮૫,૦૦૦ના ખર્ચે સ્માર્ટ સ્કેલ સિસ્ટમ અને આર.ઓ.વીથ કૂલર સિસ્ટમના ૨ કામનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, જિલ્લાના ૦૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં રૂ. ૧,૦૯,૫૩,૦૦૦ના ખર્ચે ડેન્ટલ આર.વી.જી. મશીન, બ્લોડ સેલ કાઉન્ટર અને ઇ.સી.જી. મશીનના કુલ ૧૮ પ્રોજેકટ, તેમજ જિલ્લાના અલગ – અલગ ગામોમાં જાહેર શૌચાલય, શાળામાં પેવર બ્લોક, કમ્પાઉન્ડ વોલ, એમ.ડી.એમ. શેડ, સી.સી. રોડ, નવીન ગ્રામ પંચાયત બાંધકામ અને આંગણવાડી કેન્દ્ર બાંધકામ વગેરેના કુલ રૂ. ૧,૦૯,૩૯,૦૦૦ના ખર્ચે ૧૬ કામોનો સમાવેશ થાય છે.
આ લોકાર્પણ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ, જિલ્લા પુરવઠા અધિકારી પારસ વાંદા, ઉના પ્રાંત ઓફિસર કે.આર.પરમાર, ડિસ્ટ્રિક્ટ મિનરલ કો-ઓર્ડિનેટર ભૂપતભાઈ સાંખટ, ચીફ ઓફિસર વિનોદ રાઠોડ, મામલતદાર સર્વ વરમોરા અને જી.કે.વાળા સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ : પ્રકાશભાઈ કારાણી વેરાવળ.