ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી પડેલા ભારે વરસાદને કારણે અનેક માર્ગો પર ખાડા પડી ગયા હતા, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. ખાસ કરીને કોડીનાર-વેરાવળ હાઈવે તથા કોડીનાર શહેરના મુખ્ય માર્ગોમાં ખાડાઓ અને સપાટીની તિરાડોને કારણે ટ્રાફિકમાં અવરજવર મુશ્કેલ બની ગઈ હતી. અનેક જગ્યાએ અકસ્માતની શક્યતાઓ પણ ઊભી થઈ હતી.
હવે વરસાદ થંભતા માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. વિભાગની ઇજનેરી ટીમે સ્થળ પર જઈ સર્વેક્ષણ કર્યું અને જ્યાં માર્ગોની સ્થિતિ ખરાબ જણાઈ ત્યાં ડામર પેચવર્ક શરૂ કરવામાં આવ્યું. ખાસ કરીને ભારે વાહન વ્યવહારવાળા હાઈવે તથા શહેરના વ્યસ્ત માર્ગોને પ્રાથમિકતા આપવામાં આવી.
વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આ પેચવર્ક અત્યારે તાત્કાલિક રાહત માટે છે, જેથી વાહન વ્યવહાર સુગમ બને. આગામી સમયમાં જરૂરીયાત મુજબ સંપૂર્ણ ડામરિંગ અને મરામતના કામો હાથ ધરવામાં આવશે.
સ્થાનિક લોકો પણ આ કામગીરીથી ખુશી અનુભવી રહ્યાં છે. લાંબા સમયથી મુશ્કેલીઓનો સામનો કરનારા વાહનચાલકોને હવે રાહત મળી છે. કોડીનારના વેપારીઓએ પણ જણાવ્યું કે રસ્તાઓ સુધરતાં ટ્રાફિક સરળ બનશે અને વેપાર ધંધા પર પણ સકારાત્મક અસર પડશે.
આ કામગીરી પૂર્ણ થતાં કોડીનાર-વેરાવળ હાઈવે અને કોડીનાર શહેરના માર્ગો ફરીથી વાહન વ્યવહાર માટે સુલભ બનશે અને લોકો માટે સુરક્ષિત મુસાફરી શક્ય બનશે.
📍 અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ સોમનાથ