કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્રને “બેસ્ટ પ્રેઝન્ટેશન એવોર્ડ” ભૂજમાં યોજાયેલા ઝોનલ વર્કશોપમાં કોડીનાર KVKની ઉપલબ્ધિને રાષ્ટ્રીય કક્ષાની માન્યતા.

જુનાગઢ જિલ્લાનું કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સતત પ્રગતિશીલ ખેડૂત કલ્યાણ માટે વિવિધ પ્રવૃત્તિઓ અને અભિગમો થકી કાર્યરત છે. ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ, પ્રાકૃતિક કૃષિ, પાક ચક્ર, સમૃદ્ધ માળખાકીય માર્ગદર્શન તેમજ વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા ખેતીમાં ઉત્પાદન વધારવા સતત માર્ગદર્શન આપવામાં આવે છે. કૃષિ ક્ષેત્રે થતાં નવા અભ્યાસો અને શોધો ખેડૂતો સુધી પહોંચાડવામાં કોડીનાર KVK મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે.

આવા પ્રયત્નોને યશ મળ્યું ત્યારે, ૨૦થી ૨૨ જુલાઈ ૨૦૨૫ દરમિયાન ભૂજ ખાતે આયોજિત ઝોન-૮ (ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા)ના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વાર્ષિક ઝોનલ વર્કશોપમાં કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્રને શ્રેષ્ઠ પ્રેઝન્ટેશન માટે “બેસ્ટ પ્રેઝન્ટેશન એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો છે. વર્કશોપમાં કુલ ૮૨ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોએ ભાગ લીધો હતો. દરેક KVK દ્વારા તેમની વર્ષ દરમિયાનની કામગીરી, ખેડૂત સાથેના સંવાદ, માહિતી પ્રસારણની રીત, નવીન અભિગમો તથા પરિણામો રજૂ કરવામાં આવ્યા હતા.

આ અવસરે વિશિષ્ટ મહેમાનો – ICAR-ATARIના ડિરેક્ટર ડૉ. એસ.કે. રોય, ભૂતપૂર્વ ડી.ડી.જી. એગ્રિકલ્ચર ડૉ. પી. દાસ, ભૂતપૂર્વ ડી.ડી.જી. એક્સ્ટેન્શન ડૉ. કે.ડી. કોકાટે, ડૉ. એમ.એમ. અધિકારી, ડૉ. પ્રભુ કુર્મર અને અન્ય વૈજ્ઞાનિકોની ઉપસ્થિતિમાં કોડીનાર KVKના સિનીયર સાયન્ટિસ્ટ અને હેડ શ્રી જિતેન્દ્રસિંહને એવોર્ડ એનાયત થયો હતો.

વર્કશોપના સમાપન સત્ર દરમિયાન ડીડીએજી ડૉ. રાજવીર સિંહ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. તેમણે કોડીનાર KVK સહિત સમગ્ર ઝોનના કેન્દ્રો દ્વારા અપાયેલા યોગદાનની પ્રશંસા કરી હતી. ખાસ કરીને ખેડૂતથી ફીડબેક એકઠું કરવાની પદ્ધતિ, માહિતી આપવાની અદ્ભુત શૈલી તથા પ્રાકૃતિક ખેતી અને માઇક્રો પ્લાનિંગ અભિગમને વિશેષ માન્યતા આપવામાં આવી.

કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કાર્યાલયના તમામ સ્ટાફ તથા વૈજ્ઞાનિકો – જેમણે કેન્દ્રના વિકાસ માટે સતત મહેનત કરી છે – તેમણે આ સિદ્ધિમાં મહત્વનો ફાળો આપ્યો છે. આ એવોર્ડથી ખેડૂત કલ્યાણ માટે કાર્યરત કોડીનારના કેન્દ્રને નવી ઊર્જા તથા ઉત્સાહ પ્રાપ્ત થયો છે.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ