કોડીનાર ખાતે “નારી વંદન ઉત્સવ” ની ઉજવણી, વિદ્યાર્થીનીઓને પોક્સો એક્ટ તથા મહિલાલક્ષી યોજનાઓની મળી માહિતી.

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા “નારી વંદન ઉત્સવ” અંતર્ગત અને “બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાનના ભાગરૂપે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે સ્કૂલના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વપૂર્ણ માહિતીપ્રદ સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં પોક્સો એક્ટ, પી.સી.પી.એન.ડી.ટી એક્ટ, મેન્સ્ટ્રુઅલ હાઈજીન અને ગુડ ટચ-બેડ ટચ સહિત મહિલાઓ માટેની અનેક કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જેન્ડર સ્પેશિયાલિસ્ટ મહેશ્વરપુરી ગોસ્વામીએ “નારી વંદન ઉત્સવ”નો ઉદ્દેશ સમજાવતા જણાવ્યું કે, નારી માત્ર એક કુટુંબનું નહીં પણ સમગ્ર સમાજના વિકાસનો આધાર છે. તેમણે “બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાનની ચર્ચા કરીને મહિલાઓના સર્વાંગી વિકાસ તરફ જાગૃતિ લાવવાનું અપીલ કર્યું હતું.

આ પ્રસંગે તજજ્ઞ ચિંતન ગોંડલિયાએ “વ્હાલી દિકરી યોજના”, “ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના”, “મહિલા સ્વાવલંબન યોજના”, “સખી વન સ્ટોપ સેન્ટર” અને “પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર” જેવી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

સખી વન સ્ટોપ સેન્ટરની કાઉન્સેલર તૃષાબેન ભેડાએ સેન્ટરની કામગીરી અંગે જણાવ્યું, જ્યારે 181 અભયમ હેલ્પલાઇનની કામગીરી અંગે સંતોકબેન દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

અદાલતી કાનૂની માહિતીના ભાગરૂપે પ્રકાશભાઈ મકવાણાએ પોક્સો એક્ટ, ગુડ ટચ-બેડ ટચ અને પી.સી.પી.એન.ડી.ટી એક્ટ અંગે ઉંડાણપૂર્વકની સમજણ આપી.

વિદ્યાર્થીનીઓમાં આરોગ્ય જાગૃતિ લાવવા માટે ડૉ. દીપિકાબેન મોરી દ્વારા માસિક ધર્મ higiene વિશે માહિતગાર કરાયા હતાં. કાર્યક્રમ દરમિયાન રમતમાં અને અન્ય ક્ષેત્રોમાં રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારી વિદ્યાર્થીનીઓનું પત્રક આપીને સન્માન પણ કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વિમેનની ટીમ, સખી વન સ્ટોપ સેન્ટર, અભયમ 181 હેલ્પલાઇનની ટીમ, શાળાના પ્રિન્સિપાલ, સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ હાજરી આપી હતી.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ