કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો: બજેટ બાદ પેટે વધુ ભાર!

નવી દિલ્હી: બજેટ પછી ગેસના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેનાથી હોટેલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગો માટે ખર્ચ વધ્યો છે. આજથી દિલ્હીથી કોલકાતા સુધી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 6 રૂપિયાનો વધારો થયો છે.

ટ્રેન્ડ મુજબ ઓછો વધારો… જો કે, કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના માર્ચ મહિનાના ભાવનો ટ્રેન્ડ જોવામાં આવે તો, છેલ્લા પાંચ વર્ષોમાં 1 માર્ચે થતો આ સૌથી ઓછો વધારો છે. ઈન્ડિયન ઓઈલના પોર્ટલ પર જાહેર થયેલા આંકડા મુજબ, માર્ચ 2023માં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં સૌથી વધુ 352 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

ઘરેલૂ સિલિન્ડર પર કોઈ અસર નહીં બજેટના દિવસે 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડર પર 7 રૂપિયાની રાહત અપાઈ હતી, જે હવે દૂર કરવામાં આવી છે. જો કે, 14 કિલોવાળા ઘરેલૂ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં છેલ્લા ઘણા મહિનાઓથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, અને તે 1 ઓગસ્ટ 2024થી યથાવત છે.

અહેવાલ: ગુજરાત બ્યુરો.