ખાખી વર્દીમાં રાંદેર પોલીસનું માનવતાવાદી રૂપ: નિરાધાર વૃદ્ધ દંપતિની કાળજી લઈને તમામ જવાબદારી લીધી.

સુરત:

સ્વાર્થની આ દુનિયામાં જ્યાં પોતાના પણ સાથ છોડીને જતા રહેતા હોય છે, ત્યારે કોઈ એવી વ્યક્તિઓ દેવદૂત બનીને આવે છે જે સ્વજન કરતા પણ સવાયા બની જાય છે. વાત છે સુરતના એક નિરાધાર NRI વૃદ્ધ દંપતિની કે જેઓ વર્ષોથી એકલા રહે છે અને આ નિઃસંતાન દંપતિની સારસંભાળ રાખવા એકબીજાના સહારા સિવાય કોઈ નથી, ત્યારે ખાખી વર્દીમાં રાંદેર પોલીસનું માનવતાવાદી રૂપ જોવા મળ્યું છે. રાંદેર પોલીસ સ્ટાફ નિરાધાર દંપતિ હેમંતિબેન અને રાજેન્દ્રભાઈ નાયકની વ્હારે આવીને તેમના આરોગ્ય અને ભોજનની કાળજી લઇ રહ્યા છે. પોલીસની શી ટીમ દ્વારા પણ નિયમિતપણે દંપતિના ઘરની મુલાકાત લઈને તબિયતની સારસંભાળ લેવામાં આવે છે.

૬૫ વર્ષીય વૃદ્ધા હેમંતિબેન નાયકનો જન્મ ઝામ્બિયા-સાઉથ આફ્રિકામાં થયો હતો. વૃદ્ધ દંપતિના પરિવારમાં પતિ રાજેન્દ્રભાઈ સિવાય બીજુ કોઈ નથી. વૃદ્ધાવસ્થામાં સુરતમાં હાલ મેરૂલક્ષ્મી એપાર્ટમેન્ટ,રાંદેરમાં કઠિન જીવન વિતાવી રહ્યા છે. એવામાં ચોમાસાની સિઝન શરૂ થતા ઘરના વાડામાં રહેલા જૂના પતરાના શેડમાંથી વરસાદી પાણી ટપકવાનું શરૂ થતા તેમની મુશ્કેલીઓ વધી ગઈ. વૃદ્ધા રાંદેર પોલીસ સ્ટેશને મદદની આશા સાથે આવીને આપવિતી જણાવી હતી જેથી રાંદેર પોલીસના સમગ્ર સ્ટાફે વૃદ્ધ દંપતિની પોતાના જ પરિવારજન વડીલ હોય તેમ મદદ કરવાનું અને કાળજી લેવાનું નક્કી કર્યું.

રાંદેર પોલીસ સ્ટાફે વરસાદી પાણી અટકાવવા આ વૃદ્ધ દંપતીના ઘરે ગણતરીની કલાકોમાં જ ઘરના વાડામાં નવા પતરાનો શેડ બનાવી આપી અને વૃદ્ધાને ફોનની જરૂર જણાતા તેમને નવો ફોન લઈ આપી રાંદેર પોલીસના સ્ટાફે કહ્યું હતું કે, જ્યારે પણ કંઈ જરૂર હોય તો ફોન કરવા અને આસપાસના પાડોશીઓને પણ વૃદ્ધ દંપતિની સમયાંતરે મુલાકાત લેવા, અને કોઈ સમસ્યા હોય તો પોલીસને જાણ કરવા જણાવ્યું હતું.

રાંદેરના પોલીસ ઇન્સ્પેકટર આર.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે, પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુ રચાય તે જરૂરી છે. લોકોની મદદ અને સુરક્ષા માટે પોલીસ હરહંમેશ તૈયાર રહે છે. લોકોની સુરક્ષા સાથે લોકસેવા પણ કરવી જરૂરી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ઝોન-૫ ના ના.પોલીસ કમિશનર આર.પી.બારોટ તથા એ.સી.પી.(કે ડિવીઝન) બી.એમ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રજા અને પોલીસ વચ્ચે વિશ્વાસનું વાતાવરણ ઉભું થાય એવો હેતુ રહ્યો છે. સેકન્ડ પી.આઈ. એમ.કે. ગોસ્વામી, સર્વેલન્સ પી.એસ.આઈ. બી.એસ.પરમાર, શી ટીમ ઇન્ચાર્જ પી.એસ.આઈ. શ્રી એચ.બી. જાડેજા,. તથા શી ટીમને વૃદ્ધ દંપતિની મદદની જરૂર જણાતા ટપકતા પાણીની સમસ્યા નિવારવા જૂના પતરાં કાઢીને નવા પતરા નંખાવ્યા હતા.

અહેવાલ:- અશ્વિન પાંડે ( સુરત)