સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે આવેલ જગમેર કંપા જતા રસ્તા પર આવેલ કારગીલ પેટ્રોલ પંપની બાજુમાં અંગારા હોટેલમાં સ્પા ચાલતી હોવાની હકીકતની માહિતી પોલીસને રાત્રિ પેટ્રોલિંગ સમયે મળતા તેની તપાસ માટે ખેડબ્રહ્મા પી.એસ.આઈ. કે.વી. વહોનીયા દ્વારા પંચો રૂબરૂ ગયેલ અને અંગારા હોટેલ માલિક લલિત માનદાસજી વૈષ્ણવ દ્વારા ભાડે આપેલ રૂમોની તપાસ કરતા અને કાઉન્ટર ઉપર હાજર ઈસમનું નામ પૂછતાં તેણે પોતાનું નામ મહેન્દ્ર ગોરધનદાસ વૈષ્ણવ, રહે સોજત, તા. સોજત જી. પાલી નો હોવાનું અને પોતે સ્પા નો મેનેજર હોવાનું જણાવેલ અને સ્પા ના માલિક ઓમપ્રકાશ પીતાંબરદાસ વૈષ્ણવ રહે.સીલદર, તા. રેવદર જી. સિરોહી, રાજસ્થાનના હોવાનું જણાવેલ અને બહારથી સ્પા , મસાજ પાર્લર ચલાવવા સારું કર્મચારીઓ લાવી પોતે પોલીસ સ્ટેશનમાં જાણ નહિ કરી જિલ્લા મેજી.નાઓએ બહાર પાડેલ જાહેરનામાનો સરેઆમ ભંગ કરી, જાહેર કરેલા કાયદેસરના હુકમનું ઉલ્લંઘન કરી ગુનો કરેલ હોઇ સ્પા મસાજ માલિક ઓમપ્રકાશ પીતાંબરદાસ વૈષ્ણવ રાજસ્થાનવાળા વિરુધ બી.એન એસ.,૨૦૨૩ ની કલમ ૨૨૩ મુજબ કાયદેસરની ફરિયાદ દાખલ કરી હતી.
આ સિવાય અંગારા હોટેલ માલિક દ્વારા સ્પા મસાજ ચલાવવા સારું આપેલ બે રૂમો બાબતે પોલીસ સ્ટેશને જાણ નહિ કરવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેર નામનો ભંગ કરવા બાબતે પણ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવા ઉપરાત આ કામના આરોપીએ પ્રબંધિત એરિયામાં પોતાના કબજાની હોટેલમાં કિંગ ફિશર બિયર ટીન નંગ – ૨ રાખેલ જે પકડાઈ જતા તેનો પણ ગુનો દાખલ કરેલ હોવાની માહિતી પોલીસ સ્ટેશનથી મળેલ.
આમ સદરી હોટેલમાં ત્રણ ત્રણ ગુના દાખલ થતાં તેની વધુ તપાસ ખેડબ્રહ્મા.પી.આઇ. ડી.આર.પઢેરીયા દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
અહેવાલ – ચંદ્રકાંત પ્રજાપતિ, બ્યુરો ચીફ, (સાબરકાંઠા)