સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં ડોકટરો દ્વારા મહિલાના પેટમાંથી સાત કિલોની ગાંઠનું સફળ ઓપરેશન કરી મહિલાને રાહત આપવી પીડામાંથી મુક્ત કરી હતી. માહિતી મુજબ રાજસ્થાન કોટડાના ઝેર ગામની રહેવાસી કોમલબેન અજીતભાઈ ખોખરીયાના પેટમાં અવાર નવાર દુખાવો થતો હતો અને આ દુખાવાના કારણે મહિલા દર્દીનું પેટ ફૂલી ગયું હતું જેના કારણે તેને અસહ્ય દુખાવો થવા લાગ્યો હતો. જેથી મહિલાને સારવાર અર્થે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ ખાતે લાવી તપાસ કરતા ડૉ. અશ્વિન ગઢવી દ્વારા સદર કોમલબેનની સોનોગ્રાફી કરાવી હતી જેમાં પેટમાં જમણા અંડાશયની 19 x 20 x 20 ની ગાંઠ હોવાનું નિદાન સામે આવ્યું હતું અને આવી ગાંઠ કેન્સરની હોવાનું પણ અનુમાન કરવામાં આવ્યું હતું જેના કારણે કેન્સરનો C-125 રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે રિપોર્ટ નોર્મલ આવ્યો હોવાને કારણે ઓપરેશન હાથ ધરાયું હતું. ઓપરેશન કરતા મહિલાના પેટમાંથી ૭ કિલોની ગાંઠ કાઢી દર્દીને રાહત આપવી હતી. સદર ઓપરેશન પાર પાડવામાં ડો. અશ્વિન ગઢવી, જીનલ મોદી, હિતાર્થી ગોર, રેસી. ડો. અરવિંદ ચૌધરી, એનેસ્ટેટીક ડો.કનુભાઈ તરાલ તથા સ્ટાફ નર્સ પારુલ પરમારનો સહયોગ રહ્યો હતો.
અહેવાલ – ચંદ્રકાંત પ્રજાપતિ, બ્યુરો ચીફ, (સાબરકાંઠા)