ખેડૂત અને ખેતી વિકાસની પ્રવૃત્તિઓ સહાયરૂપ થનાર ખેડૂતને એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડુતોએ ૩૧ ઓગસ્ટ સુધી અરજી કરવાની રહેશે

જૂનાગઢ તા.૧૨ ખેડૂત પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ શતાબ્દી વર્ષ (૧૯૭૫) ની યાદમાં શરૂ કરવામાં આવેલ સરદાર સ્મૃતિ કેન્દ્રો પૈકીના જૂનાગઢ કેન્દ્રએ ૧૯૯૯-૨૦૦૦ નું વર્ષ રજત જયંતી વર્ષ તરીકે ઉજવેલ. આ પ્રસંગની યાદગીરી માટે અને કેન્દ્રની પ્રવૃતિઓનો વ્યાપ વધે અને બહોળો પ્રમાણમાં ખેડૂતો આ કેન્દ્રનો લાભ લેતા થાય એવા આશયથી સરદાર સ્મૃતિ કેન્દ્ર, જૂનાગઢ રજત જયંતી એવોર્ડ શરૂ કરવામાં આવેલ છે.
સરદાર સ્મૃતિ કેન્દ્રની ખેડૂત અને ખેતી વિકાસની પ્રવૃત્તિઓથી તથા પોતાની આગવી સૂઝ અને નવું અપનાવવાની સાહસવૃતિથી ઘણાં ખેડૂતો પ્રયોગશીલ બન્યા છે. આવી નવીનતમ તજજ્ઞતા અપનાવી વધુ ઉત્પાદનલક્ષી અભિગમ દાખવનાર તથા તેના ફેલાવામાં સહાયરૂપ થનાર એક ખેડૂતને આ એવોર્ડ આપી તેનું બહુમાન કરી પ્રોત્સાહિત કરવામાં આવનાર છે.

વર્ષ: ૨૦૨૪-૨૫ નો વિષય: “ખેતી પાકોમાં કાપણી પછીની માવજત અને મૂલ્યવર્ધન” આ એવોર્ડ સૌરાષ્ટ્ર વિસ્તાર (જૂનાગઢ, પોરબંદર, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ. દેવભૂમિ દ્વારકા અને મોરબી જીલ્લા) ના કોઈપણ એક ખેડૂતને આપવાનું નકકી ક૨વામાં આવેલ છે. આ એવોર્ડ માટે અરજી કરવા ઈચ્છતાં ખેડૂતોએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, સંશોધન કેન્દ્રો તેમજ તેમની નજીકની સ્વૈચ્છીક સંસ્થાની ભલામણ સાથે તા. ૩૧/૦૮/૨૦૨૫ સુધીમાં મળી જાય તે રીતે નિયત ફોર્મમાં અરજી કરવાની રહેશે. (અરજી પત્રક જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઈટ www.jau.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.) આ અંગે વધુ વિગત માટે મદદનીશ વિસ્તરણ શિક્ષણશાસ્ત્રી(માહિતી), સરદાર સ્મૃતિ કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢનો સંપર્ક કરવાનું વિતરણ શિક્ષણ નિયામકશ્રીની યાદીમાં જણાવવામાં આવેલ છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)