નવસારી જિલ્લાના ખેરગામના ભસ્તા ફળિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રથમ વખત ઓલ ઇન્ડિયા આદિવાસી બિગ બોસ રબર બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં સમગ્ર ગુજરાતથી 12 ટીમોએ ભાગ લીધો હતો.
આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો. નિરવ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને રાજય પ્રમુખ ડો. પ્રદીપભાઈ ગરાસિયાની હાજરીએ ટુર્નામેન્ટને વિશેષ ઓજસ આપ્યું હતું.
ટુર્નામેન્ટની અંતિમ ફાઇનલ મેચ રામેશ્વર ઇલેવન અને બિરસા ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં બિરસા ઇલેવને પ્રથમ બેટિંગ કરીને 8 ઓવરમાં 90 રનની ટાર્ગેટ આપી હતી. જોકે, રામેશ્વર ઇલેવને આ ટાર્ગેટ સરળતાથી ચેસ કરી વિજય હાંસલ કર્યો અને ચેમ્પિયન બની.
વિશિષ્ટ પ્રદર્શન માટે કેટલાંક ખેલાડીઓને ખાસ સન્માન અપાયું જેમાં:
બેસ્ટ બોલર: સુરેશ વરથા
બેસ્ટ બેટ્સમેન અને મેન ઑફ ધ સિરીઝ: જીતેશ રાઠોડ
બેસ્ટ ફિલ્ડર: યુવી
ટુર્નામેન્ટ બાદ વિજેતા અને રનર-અપ ટીમોને રોકડ ઈનામ અને ટ્રોફી આપવામાં આવી હતી. તેમજ આદિવાસી પરંપરા અનુસાર ખેલાડીઓને તુણકી ટોપી પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં ડેપ્યુટી સરપંચ જગદીશભાઈ, આદિવાસી અગ્રણી ડો. દેવેન્દ્ર માહલા, સુમિત્રાબેન, રવિન્દ્ર પટેલ સહિતના અગ્રણીઓએ અગત્યની ભૂમિકા ભજવી હતી. તો કલ્પેશ ગુબાડે અને અઝીઝ બોડીયાએ રમૂજભરી કોમેન્ટ્રી કરીને સમગ્ર દર્શકોનું મનોરંજન કરાવ્યું.
આભારી સમાજે ક્રિકેટ અને સંસ્કૃતિના સુમેળનું જીવંત ઉદાહરણ આપી ભવિષ્યમાં પણ આવા આયોજનોની આશા વ્યક્ત કરી.
અહેવાલ : અંકેશ યાદવ, ખેરગામ