રાજ્યકક્ષાએ કમિશનર યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી, નવસારી દ્વારા સંચાલિત ખેરગામ તાલુકા કક્ષાનો “કલા મહાકુંભ – 2025-26” કાર્યક્રમ આજે જનતા માધ્યમિક શાળા, ખેરગામ ખાતે ઉત્સાહભેર આયોજિત થયો હતો.
કાર્યક્રમની અધ્યક્ષતા તાલુકા વિકાસ અધિકારી શ્રી મહેશભાઈ વિરાણીએ કરી હતી. દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કાર્યક્રમનો ઔપચારિક આરંભ થયો હતો. ત્યારબાદ મહેશભાઈ વિરાણીએ વિદ્યાર્થીઓને ઉદ્દેશીને પ્રેરણાદાયી પ્રવચન આપ્યું અને તમામ સ્પર્ધાઓને ખુલ્લી ઘોષિત કરી હતી.
આ કલા મહાકુંભ અંતર્ગત ચિત્રકલા, નિબંધ લેખન, વક્તૃત્વ સ્પર્ધા, તબલા-હાર્મોનિયમ, સમૂહગીત, લોક નૃત્ય, એક પાત્રીય અભિનય, ભજન, લોકગીત, લગ્નગીત તથા ભરતનાટ્યમ જેવી કુલ ૧૧ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેરગામ તાલુકાની વિવિધ શાળાઓના કુલ ૨૩૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સ્પર્ધાઓનું નિષ્પક્ષ માપદંડે મૂલ્યાંકન થાય તે માટે જિલ્લા કક્ષાના અગ્રણી કલાપ્રેમી શ્રી ઉમેશ મહેતાની આગેવાની હેઠળ પ્રતિભાશાળી निर्णાયક મંડળી ખાસ ઉપસ્થિત રહી હતી.
કાર્યક્રમમાં જનતા કેળવણી મંડળ ખેરગામના પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ચેરમેન પ્રશાંતભાઈ પટેલ, કોષાધ્યક્ષ જગદીશભાઈ પટેલ સહિત વિવિધ શિક્ષકો, અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ઉત્સાહ આપ્યો હતો.
શાળાના સંચાલક મંડળ અને જિલ્લા કક્ષાના અધિકારીઓએ સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન બદલ જનતા માધ્યમિક શાળાને અભિનંદન પાઠવ્યા હતા.
અહેવાલ: અંકેશ યાદવ, ખેરગામ