ખેરગામ
નવસારી જિલ્લાના ખેરગામ-શામળા ફળીયા પ્રાથમિક શાળા ખાતે શામળા અને પોમપાળ પ્રાથમિક શાળાનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ચીખલીના નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહિલની અધ્યક્ષતામાં યોજાયો હતો. બન્ને શાળાઓ મળી બાલવાટિકામાં પ કુમાર અને ૭ કન્યા મળી ૧૨, આંગણવાડીમાં ૩ કુમાર અને ૬ કન્યા મળી ૯ તેમજ ધોરણ-૧માં ૬ કુમાર અને ૭ કન્યા મળી કુલ ૧૩ બાળકોનો પ્રવેશ કરાવાયો હતો.
આ અવસરે પ્રવેશ મેળવનાર બાળકોના ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ પાઠવતાં નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના સુચારુ અમલીકરણ માટે મુખ્ય મંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ સક્રિય છે. શાળામાં પ્રવેશ પામનારા બાળકોનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે સરકાર અથાક પ્રયત્નો કરી રહી છે, જેના ભાગરૂપે દર વર્ષે શાળાની શરૂઆતમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. બાળકો નિયમિત શાળાએ આવે સારું ભણીને આગળ વધે અને શાળા ગામનું નામ રોશન કરે તેવી અભિલાષા તેમણે વ્યક્ત કરી હતી. શાળાઓમાં વાલીઓની હાજરી જોઈ સંતોષ વ્યક્ત કર્યો હતો. અહીંનો ડ્રોપ આઉટ રેશિયો શૂન્ય છે અને ખાનગી શાળામાં અભ્યાસ કરતા ત્રણ બાળકો આ શાળામાં અભ્યાસ માટે આવ્યા છે, જે ખૂબ જ આનંદની વાત છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
શાળાની વિદ્યાર્થીની નિયતિ પટેલે સ્વચ્છતા અભિયાન અને સ્નેહા પટેલે બેટી બચાવો વિષય ઉપર વક્તવ્ય રજૂ કર્યું હતું. આ અવસરે બાલવાટિકા તેમજ ધોરણ-૧માં પ્રવેશ મેળવનારા બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. જ્યારે ખાનગી શાળામાં સરકારી શાળામાં આવેલ ત્રણ વિદ્યાર્થીઓ, ધોરણ ૧ થી ૮માં પ્રથમ આવેલા તેજસ્વી તારલાઓનું ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે સન્માન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓ પરી અને સોહાએ કર્યું હતું.
કાર્યક્રમ બાદ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું તેમજ વાલીઓ તેમજ એસ.એમ.સી. સભ્યો સાથે બેઠક યોજાઇ હતી. આ અવસરે બી.આર.સી. જીગરભાઇ પટેલ, શામળા ફળિયા સ્કૂલના આચાર્યા પ્રજ્ઞાબેન પટેલ, શિક્ષકો સુરેશભાઈ પટેલ, શીતલબેન પટેલ, પ્રિયંકાબેન દેસાઈ, વૈશાલીબેન પટેલ, પોમાપાળ સ્કુલના આચાર્યા વાસંતીબેન તેમજ શિક્ષિકા ચિંતાબેન પટેલ, સ્પેશીયલ એજ્યુકેટર (વિકલાંગ) રીટાબેન પટેલ, ગ્રામ પંચાયત સભ્ય હેમલતાબેન પટેલ તેમજ રાકેશભાઇ પટેલ, શાળાના શિક્ષકો, વાલીઓ, એસ.એમ.સી. સભ્યો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- અંકેશ યાદવ (ખેરગામ)