ગીર સોમનાથ, સરખડી :
– ગુજરાતની સુપર 8 બહેનોની ટીમોએ બતાવ્યું જોરદાર પ્રદર્શન
ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG), ગાંધીનગરના સહયોગથી તેમજ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગીર સોમનાથના સંચાલન હેઠળ તા. 20 મે થી 27 મે 2025 સુધી રાજ્ય કક્ષાની મહિલા વોલીબોલ સ્પર્ધાનું સરખડી ગામ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
ગુજરાતના ચાર મુખ્ય ઝોન – ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાંથી પસંદ થયેલી શ્રેષ્ઠ 8 સુપર ટીમો વચ્ચે અન્ડર-14, અન્ડર-17 અને ઓપન એજ ગ્રૂપમાં લીગ આધારિત હરીફાઈ યોજાઈ. સરખડી ગામને રાજ્યના “વોલીબોલ હબ” તરીકે ઓળખ મળે તેવા દ્રષ્ટિકોણ સાથે, સમગ્ર સ્પર્ધા દરમિયાન ભોજન, નિવાસ અને રાત્રિપ્રકાશ જેવી વ્યવસ્થાઓ ખૂબ જ ઉત્કૃષ્ટ રીતે સુસજ્જ કરવામાં આવી હતી.
મહિલા સશક્તિકરણ સાથે ઉદઘાટન :
સ્પર્ધાનું ઉદઘાટન ગામની મહિલા સરપંચ શ્રીમતી અસ્મિતાબેન વાળા, ઉપસરપંચ શ્રીમતી ભૂમિકાબેન વાળા તથા અન્ય એવોર્ડ વિજેતા મહિલાઓના હસ્તે કરવામાં આવ્યું હતું. ખેલના આરંભે પ્લાસ્ટિક મુક્ત ભારતના શપથ સાથે પ્રેરણાદાયક સંદેશ પણ અપાયો.
વિજેતાઓની ઝલક :
- અન્ડર 14 વિભાગ:
🥇 પ્રથમ – જુનાગઢ ગ્રામ્ય
🥈 દ્વિતીય – મહેસાણા
🥉 તૃતીય – બનાસકાંઠા - અન્ડર 17 વિભાગ:
🥇 પ્રથમ – ગીર સોમનાથ
🥈 દ્વિતીય – ગાંધીનગર ગ્રામ્ય
🥉 તૃતીય – દેવભૂમિ દ્વારકા - ઓપન વિભાગ:
🥇 પ્રથમ – ગીર સોમનાથ
🥈 દ્વિતીય – એસ.એ.જી. નડિયાદ એકેડેમી
🥉 તૃતીય – ગાંધીનગર ગ્રામ્ય
વિજેતા તમામ ટીમોને ગુજરાત સરકાર દ્વારા DBT દ્વારા રોકડ ઇનામ આપવાનું આયોજન છે. સાથે જ, ખેલો ઇન્ડિયા નેશનલ લેવલ પર બ્રોન્ઝ મેડલ જીતનાર ગુજરાતની અંડર-17 ટીમના તમામ ખેલાડી બહેનોને HPCL દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
વ્યવસ્થા અને માર્ગદર્શન:
- ચીફ રેફરી ડૉ. હમીરસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ ભાવનગર, કચ્છ, દ્વારકા, જુનાગઢ અને ગીર સોમનાથના રેફરીઓએ નિષ્પક્ષ કામગીરી બજાવી.
- રમત વિકાસ અધિકારી શ્રી કાનજીભાઈ ભાલીયા તથા જિલ્લા રમત-ગમત અધિકારી શ્રી વિશાલભાઈ દિહોરાએ સંપૂર્ણ વહીવટી વ્યવસ્થા સુંદર રીતે સંભાળી.
આભારવિધિ અને સહયોગ:
રાજ્ય વ્યાયામ સંઘના પૂર્વ પ્રમુખ વરજંગભાઈ વાળા, સામાજિક અગ્રણી સંજયભાઈ વાળા, રોહનસિંહ વાળા, મયુરભાઈ વેગળ, તેમજ સરખડી ગામની શાળાઓના સ્ટાફ અને ગ્રામજનો દ્વારા આ સમગ્ર આયોજન સફળતાપૂર્વક પાર પડાવવામાં અનેરો સહયોગ આપ્યો હતો.
અહેવાલ: જગદીશ યાદવ, જુનાગઢ