ખેલ મહાકુંભ ૩.૦ અનવ્યે જૂનાગઢ જિલ્લામાં તાલુકા તેમજ ઝોનકક્ષાએ કબડ્ડી સ્પર્ધા યોજાઈ

તાલુકા તેમજ ઝોનમાંથી પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલ ટીમ જિલ્લાકક્ષા સ્પર્ધામાં ભાગ લેશે

જૂનાગઢ તા.૦૭ ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા રાજ્યમાં ખેલ મહાકુંભ ૩.૦નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.જૂનાગઢ જિલ્લામાં તાલુકાકક્ષાના ખેલમહાકુંભમાં સુનિયોજીત સંચાલન માટે જિલ્લા રમત વિકાસ અધિકારી તથા જિલ્લા રમતગમત અધિકારી ભૂષણકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ તાલુકા કન્વીનરની નિમણૂક કરવામાં આવી છે. જેમના દ્વારા તાલુકાની સ્પર્ધાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. શાળા,ગ્રામ્ય કક્ષાએ વિજેતા ખેલાડીઓ તાલુકા કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે.


તાલુકાકક્ષાએ યોગાસન, ચેસ, ખો-ખો, વોલીબોલ, એથ્લેટિક, રસ્સા ખેંચ અને કબડ્ડી સહિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન તા. ૬ જાન્યુઆરીથી હાથ ધરવામાં આવેલ છે. જેમાં તાલુકા તેમજ ઝોનકક્ષાએ કબડ્ડી સ્પર્ધાનું આયોજન ભાઈઓ અને બહેનો માટે જૂનાગઢ જિલ્લાના દરેક તાલુકા તેમજ ઝોન ખાતે કરવામાં આવેલ હતું. જેમાં અંદાજીત તાલુકાકક્ષાએ-૧૬૪ ભાઈઓ અને બહેનોની ટીમ અને ઝોનકક્ષાએ-૮૯ ભાઈઓ અને બહેનોની ટીમો એ ભાગ લીધો હતો. દરેક તાલુકા તેમજ ઝોનમાંથી પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલ ટીમ જિલ્લાકક્ષા સ્પર્ધામાં ભાગ લેશે. જિલ્લાકક્ષાએ વિજેતા ખેલાડીઓ ઝોનકક્ષા અને રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે. આ સાથે જ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન અંતર્ગત ખેલમહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાંથી પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી પણ કરવામાં આવશે. જેમને સરકારની જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ અને વિવિધ રમતોની રાજ્યકક્ષાની એકેડમીમાં નિઃશુલ્ક પ્રવેશની સાથે અભ્યાસ, ભોજન અને નિવાસ તેમજ સ્પોર્ટ્સ કિટ પૂરી પાડવામાં આવશે. ઉપરાંત ખેલાડીઓને નિષ્ણાંત કોચ દ્વારા પ્રશિક્ષણ અને દર મહિને સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)