ગઢડા–ઉમરાળા–વલ્લભીપુરના ધારાસભ્ય શંભુનાથ ટુંડીયાને રાજીનામું આપવા કોંગ્રેસની માંગ, પ્રાંત અધિકારીને આવેદનપત્ર.

ભાવનગર: ગઢડા–ઉમરાળા–વલ્લભીપુર મતવિસ્તારના ધારાસભ્ય શંભુનાથ ટુંડીયા સામે કોંગ્રેસ દ્વારા તીખી રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષે ધારાસભ્ય પર આરોપ મૂક્યો છે કે લોકોના મતોથી ધારાસભ્ય બનેલા ટુંડીયા સાહેબ પાસે પોતાના વિસ્તારના નાગરિકોના પ્રશ્નો સાંભળવા અને ઉકેલવા માટે સમય નથી.

કૉંગ્રેસે પ્રાંત અધિકારીને સોંપેલા આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ધારાસભ્ય ટુંડીયા ફોન સુધી નથી ઉપાડતા, પોતાનાં પક્ષના આગેવાનોને પણ અવગણે છે અને જિલ્લા સ્તરે યોજાતી ભાવનગર–બોટાદની સંકલન મીટિંગોમાં હાજર રહેતા નથી.

દલિત સમાજ માટે અનામત ગઢડા–ઉમરાળા–વલ્લભીપુર બેઠકના ધારાસભ્ય હોવા છતાં, ટુંડીયા સાહેબે દલિત અત્યાચારની કોઈ ઘટના સમયે ક્યારેય પીડિત પરિવારોને મળવાનું કે સહાનુભૂતિ દર્શાવવાનું કર્યું નથી, એવો આરોપ પણ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો છે.

કૉંગ્રેસે વધુમાં કહ્યું છે કે ધારાસભ્ય પોતાના મળતીયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે પ્રતિનિધિત્વ કરાવે છે, જે મતદારો માટે અન્યાયરૂપ છે. પરિણામે, ધારાસભ્ય તરીકે નાગરિકોની સેવા કરવામાં નિષ્ફળ સાબિત થયેલા શંભુનાથ ટુંડીયાએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ તેવી માંગ ઉઠાવવામાં આવી છે.

આ વિરોધ પ્રદર્શનમાં બોટાદ અને ભાવનગર જિલ્લા કોંગ્રેસના આગેવાનો તેમજ દલિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય તથા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઈ રાઠોડ, ગઢડાના પૂર્વ ઉમેદવાર જગદીશભાઈ ચાવડા, તેમજ જયદીપસિંહ ગોહિલ, કિશોરભાઈ વેલારી, કનુભાઈ જેબલીયા, શક્તિસિંહ ગોહિલ, અમિતભાઈ લવતુકા, રાયસંગભાઈ પરમાર, ઈશ્વરભાઈ નમસા, દિપેશભાઈ પરમાર, વિજયભાઈ સોલંકી, અશોકભાઈ મામસી, રમેશભાઈ સિંગલ, હર્ષદભાઈ બાંભણીયા, અજયભાઈ ઝાલા, અરવિંદ મકવાણા (ટેભુ) સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસે પ્રાંત અધિકારી મારફતે સરકારને રજૂઆત કરી છે કે ધારાસભ્ય તરીકે લોકોની સેવા કરવામાં નિષ્ફળ સાબિત થયેલા શંભુનાથ ટુંડીયા સામે યોગ્ય પગલાં ભરવા જોઈએ.

અહેવાલ: સતાર મેતર, ભાવનગર