ગણેશોત્સવને લઈને જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયનું જાહેરનામું – પીઓપી મૂર્તિ અને કેમિકલ રંગોના ઉપયોગ પર પ્રતિબંધ.

વેરાવળ–સોમનાથ જિલ્લામાં આવનારા ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લાના અનેક વિસ્તારોમાં ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવશે. મૂર્તિ સ્થાપના બાદ વિસર્જન સુધી ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જેમાં ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લેશે.

કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા મુજબ, ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિત ૯ ફૂટથી વધુ ઊંચાઈની સ્થાપના કરવી નહીં. સાથે જ પરવાનગી લીધા વગર જાહેર માર્ગો ઉપર મૂર્તિઓનું પરિવહન પણ નહીં કરવામાં આવે. જાહેરનામામાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે મૂર્તિઓની બનાવટ દરમિયાન ગંદકી, અસ્વચ્છતા કે ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડે તેવા ચિન્હોનો ઉપયોગ ન કરવો.

કલેક્ટરે જણાવ્યું છે કે પીઓપી (પ્લાસ્ટર ઓફ પેરિસ) તથા કેમિકલ યુક્ત રંગોથી બનેલી મૂર્તિઓ પાણીમાં વિસર્જન કરવાથી પર્યાવરણ તેમજ પાણીજન્ય જીવોને ગંભીર નુકસાન થાય છે. માનવ સ્વાસ્થ્યને પણ ખતરો ઊભો થાય છે. તેથી આ પ્રકારની મૂર્તિઓને નદી, તળાવ કે દરિયામાં વિસર્જન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

સ્થાનિક સત્તા મંડળ દ્વારા ખાસ કરીને બનાવાયેલા કૃત્રિમ વિસર્જન કુંડોમાં જ વિસર્જન કરવાની ફરજિયાતી રહેશે. આ ઉપરાંત ગણેશ વિસર્જન માટે પૂર્વ મંજૂરી લેવી આવશ્યક રહેશે અને ફક્ત મંજૂરીમાં દર્શાવેલા પરંપરાગત રૂટ પર જ વિસર્જન લઈ જવાનું રહેશે.

કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે તંત્ર દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે તો તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ જાહેરનામું 7 સપ્ટેમ્બર 2025 સુધી અમલમાં રહેશે.

કલેક્ટરે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ તહેવારોની ઉજવણી દરમિયાન પાણી તથા પર્યાવરણને પ્રદૂષિત ન કરે અને વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા માર્ગદર્શનોનું કડક પાલન કરે.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ