જૂનાગઢ
જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ, ગરવા ગિરનારને કાયમી સ્વચ્છ રાખવા માટે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાનની સફળતાની પ્રતિતી ગિરનાર સહિત ભવનાથ ક્ષેત્રમાં આવતા ભાવિકો અને સહેલાણીઓને થઈ રહી છે. ગિરનાર પ્લાસ્ટિક મુક્તની સાથે સ્વચ્છ રહે તે માટે સફાઈ પર પણ ભાર આપવામાં આવી રહ્યો છે. ચોમાસા ઋતુમાં ગરવા ગિરનારનું પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. સહેલાણીઓ આ પ્રકૃતિ માણવા માટે ગિરનાર પર્વત, દાતાર, જટાશંકર સહિતના સ્થળોએ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આ પ્રવાસીઓ પણ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રની પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અભિયાનને આવકારી રહ્યા છે.
સહેલાણીઓ કહે છે, પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અભિયાન ખૂબ આવકારદાયક છે
પ્રકૃતિ જતન માટે જરુરી સહયોગ આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. જૂનાગઢ ભવનાથ તીર્થક્ષેત્રમાં આવેલા જટાશંકર સ્થળે, જામનગરથી પોતાના પરિવાર સાથે આવેલા વિપુલ રાઠોડ કહે છે કે, સહ પરિવાર આ સ્થળે આવ્યા ત્યારે વન વિભાગના કર્મચારીશ્રીઓ દ્વારા અમારું ચેકિંગ કરવામાં આવ્યું. પ્રકૃતિને નુકસાન કરતી વસ્તુ કે પ્લાસ્ટિક સાથે ન જઈએ તે માટેની કાળજી લેવામાં આવી રહી છે. અમને જટાશંકરના આ પ્રવાસ દરમિયાન પ્લાસ્ટિક જોવા મળ્યું ન હતું. રાજકોટથી પોતાના મિત્રો સાથે આવેલા કમલેશ અલવાની કહે છે કે, પ્લાસ્ટિક પ્રકૃતિ તેમજ વન્યજીવો માટે નુકસાનકારક છે, ત્યારે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અભિયાન ખૂબ આવકારદાયક છે. જેને સતત ચાલુ રાખવાની સાથે લોકોએ તેમાં સહયોગ આપવો જોઈએ. આમ, જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અભિયાનને આવકારદાયક અને જરુરી ગણાવ્યું હતું.
અહેવાલ :-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)