ગાંધીનગર ખાતે આજે કૃષિ, પશુપાલન અને મત્સ્યોદ્યોગ વિભાગોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં કૃષિ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા પશુપાલન અને મત્સ્યોદ્યોગ વિભાગના રાજ્ય મંત્રી પરસોત્તમભાઈ સોલંકી મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા.
🔹 પશુપાલન વિભાગની સમીક્ષા
બેઠક દરમ્યાન ફરતા પશુ દવાખાનાઓ (જીવીકે) દ્વારા આપવામાં આવતી સેવાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. સાથે સાથે ગૌસંવર્ધનના નિયમો-૨૦૨૫ અંગે વિભાગના અધિકારીઓએ વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું. આ નિયમો અંતર્ગત ગૌવંશના આરોગ્ય, સંવર્ધન અને કલ્યાણ માટે નવી પહેલો હાથ ધરવાની બાબતે ચર્ચા કરવામાં આવી.
🔹 મત્સ્યોદ્યોગ વિભાગની સમીક્ષા
ફીશરીઝ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અંગે ચાલી રહેલી કામગીરીની પ્રગતિ પર પણ ચર્ચા કરવામાં આવી. તટીય વિસ્તારોમાં માછીમારો માટે સુવિધાઓ, બંદરોનું આધુનિકીકરણ અને માછલી ઉત્પાદનમાં વૃદ્ધિ માટેના પ્રયાસો અંગે મંત્રીઓએ અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી.
🔹 ઉચ્ચ અધિકારીઓની હાજરી
આ બેઠકમાં પશુપાલન વિભાગના સચિવ સંદીપકુમાર, પશુપાલન નિયામક ફાલ્ગુનીબેન ઠાકર તેમજ સંબંધિત વિભાગોના અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમીક્ષા બેઠક દરમ્યાન મંત્રીઓએ પશુપાલન તથા મત્સ્યોદ્યોગ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા, ખેડૂતો અને માછીમારોને સીધી મદદરૂપ થાય તેવી નવી યોજનાઓ ઝડપથી અમલમાં મૂકવા તથા પ્રોજેક્ટની ગતિ વધારવા સ્પષ્ટ સૂચનાઓ આપી.
📍 અહેવાલ : સતાર મેતર, ભાવનગર