ગારીયાધાર નગરપાલિકા વિસ્તારમાં આજે શ્રી એમ.ડી. પટેલ હાઈસ્કુલમાંથી ભવ્ય સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ હાથે પ્લેકાર્ડ અને બેનરો લઈ સ્વચ્છતા માટેના સ્લોગન અને સુત્રોચાર સાથે નગરજનોમાં જાગૃતિ ફેલાવી. આ રેલી સાથે જ પ્લોગીંગ ડ્રાઈવનું આયોજન થયું અને તમામે સ્વચ્છતાનો શપથ લીધો.
કાર્યક્રમમાં નોડલ અધિકારી રાકેશભાઈ વાજા, મ્યુનિસિપલ ઈજનેર, SBM સ્ટાફ, શાળાના NCC કેડેટ્સ અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપપ્રમુખ ડૉ. પ્રફુલભાઈ કાત્રોડીયાના અધ્યક્ષસ્થાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ પણ આપવામાં આવી. તેમાં ફ્રન્ટલાઇન કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટી, ઇમરજન્સી સેવા, ફર્સ્ટ એઇડ અને ૧૦૮ એમ્બ્યુલન્સ વિશે માર્ગદર્શન મળ્યું.
આ સાથે, નગરપાલિકાએ જાહેર કર્યું છે કે “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫” અંતર્ગત દૈનિક ધોરણે સ્વચ્છતા ઝુંબેશ ચાલુ રહેશે. શહેરના ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ, બ્લેક સ્પોટ્સ, રહેણાક વિસ્તારો, બજારો અને વાણિજ્ય વિસ્તારોની સફાઈ કરવામાં આવશે.
👉 તા. ૧૭ થી ૨૨ સપ્ટેમ્બર દરમિયાન બસ-સ્ટેશન, રેલવે સ્ટેશન, પાર્કિંગ વિસ્તારો અને ધોરી માર્ગો પર સફાઈ હાથ ધરાશે.
👉 તા. ૨૩ થી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો, બાગ-બગીચા અને ઐતિહાસિક સ્થળો પર ઝુંબેશ થશે.
👉 તા. ૩૦ સપ્ટેમ્બર થી ૬ ઓક્ટોબર દરમિયાન નદી, તળાવ, સરોવર, દરિયાકિનારા અને નાળાઓની સફાઈ થશે.
👉 તા. ૭ થી ૧૩ ઓક્ટોબર દરમિયાન શહેરના સર્કલ, ચાર રસ્તા, પ્રતિમાઓ અને ખુલ્લા પ્લોટોની સફાઈ થશે.
👉 તા. ૧૪ થી ૨૦ ઓક્ટોબર દરમિયાન શાકમાર્કેટ, APMC તથા સ્ટ્રીટ ફૂડ માર્કેટ્સમાં સફાઈ થશે.
👉 તા. ૨૧ થી ૨૭ ઓક્ટોબર દરમિયાન શાળા, કોલેજ, સરકારી-ખાનગી કચેરીઓ તથા હોસ્પિટલોની સફાઈ હાથ ધરાશે.
👉 અંતે, તા. ૨૮ થી ૩૧ ઓક્ટોબર દરમિયાન શહેરના આઉટગ્રોથ વિસ્તાર, એન્ટ્રી પોઈન્ટ્સ અને ફૂટપાથની સઘન સફાઈ હાથ ધરાશે.
તા. ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી ગારીયાધાર નગરપાલિકા કચેરી તથા એમ.ડી. પટેલ હાઈસ્કુલ ખાતે સ્વચ્છતા સેલ્ફી પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે જેથી નાગરિકોમાં જાગૃતિ ફેલાય.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે “નિર્મળ ગુજરાત ૨.૦” અને આવનારા “સ્વચ્છતા સર્વેક્ષણ”ને ધ્યાનમાં રાખીને આ ઝુંબેશને વધુ અસરકારક બનાવવાનો સંકલ્પ લીધો છે.
એન્કર આઉટ્રો :
“ગાંધી જયંતિ નિમિત્તે શરૂ થયેલું આ સ્વચ્છોત્સવ અભિયાન માત્ર ગારીયાધાર જ નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં નાગરિકોને સ્વચ્છતામાં સહભાગી થવા પ્રેરિત કરી રહ્યું છે.”
અહેવાલ : સતાર મેતર, ભાવનગર