જૂનાગઢ:
દ્વારકાથી ડુંગર સુધી અને ધર્મથી પ્રવાસન સુધી… ગિરનાર પર્વતનો સર્વાંગી વિકાસ now seriously on track. આગામી મંગળવારે જૂનાગઢ શહેરના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાની આગેવાનીમાં સ્થાનિક આગેવાનોનું પ્રતિનિધિ મંડળ ગાંધીનગર જશે અને રાજ્ય સરકાર સમક્ષ ગિરનાર વિકાસ માટે વિધિવત રજૂઆત કરશે.
આજરોજ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, યોગીભાઈ પઢીયાર, પ્રદીપભાઈ ખીમાણી, શૈલેષભાઈ દવે સહિતના આગેવાનોે ગિરનાર પર્વત પર સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમને યાત્રિકોની સુખાકારી માટે શું નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય તે અંગે વિસ્તૃત મનોમંથન કર્યું હતું.
સરકાર તરફથી અગાઉ જાહેરાત થયેલ 130 કરોડથી વધુની ગ્રાન્ટના ઉપયોગ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. યાત્રાળુઓ માટે પીવાના પાણીની સુવિધા, ટોયલેટ બ્લોક, આરામ માટે શેડ, ટ્રાફિક મેનેજમેન્ટ તથા અન્ય પાયાના માળખાકીય વિકાસ માટે રોડમેપ તૈયાર કરવામાં આવશે.
આ તમામ મુદ્દાઓ સાથે મુખ્યમંત્રી તેમજ રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સમક્ષ રજૂઆત કરી ગિરનાર માટે અલગ ઓથોરિટી બોર્ડ બનાવવાની ભલામણ પણ કરવામાં આવશે. ગિરનાર પર્વત માત્ર આધ્યાત્મિક યાત્રાધામ જ નહીં પણ ભવિષ્યમાં વૈશ્વિક પ્રવાસન કેન્દ્ર બની શકે તેવા દૃષ્ટિકોણથી આયોજન કરવાની ભાવના વ્યક્ત કરવામાં આવી.
સ્થળ નિરીક્ષણ સમયે આગેવાનો સાથે ઘણા સાધુ-સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમણે યાત્રિકોની હાલની સમસ્યાઓ અંગે પ્રામાણિક પ્રતિસાદ આપ્યો હતો.
આ પહેલથી હવે ગિરનાર વિકાસ માટેનાં પ્રયત્નો વધુ દ્રઢ અને દિશામૂલક બનશે તેવી લોકોમાં આશા જાગી છે.
અહેવાલ: જગદીશ યાદવ, જૂનાગઢ