ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ભાવિકોની સેવા માટે આવતી સેવાભાવી સંસ્થાઓને નિયત શરતોના આધીન વન વિભાગ દ્વારા મંજૂરીઓ આપવામાં આવી રહી છે. આ સેવાભાવી સંસ્થાઓએ પરિક્રમા પૂર્ણ થયા બાદ સેવાકીય પ્રવૃત્તિઓ થકી કચરો ઉત્પન્ન થયો હોય તે તમામ સફાઈ કરી કચરો ગિરનાર અભ્યારણ્યમાંથી બહાર લઈ જવાનો રહેશે.
વન વિભાગ દ્વારા પરિક્રમાના સમય દરમિયાન સેવામાં આવેલ સેવાભાવી સંસ્થાઓને અન્નક્ષેત્ર, પાણીના પરબ વગેરેને નિયત શરતોને આધીન મંજૂરી આપવામાં આવે છે. તે જ સંસ્થાઓ જંગલ વિસ્તારમાં રાવટી નાખી શકશે અને ક્ષેત્રમાં લાકડાના બદલે જે ગેસનો ઉપયોગ કરશે. તેવા અન્નક્ષેત્રોને જ મંજૂરી આપવામાં આવશે અને તેમના માટે જ વાહનની મંજૂરી આપવામાં આવશે. આ વાહનોને સામાન ઉતાર્યા બાદ જંગલ ભાગમાંથી બહાર નીકાળી લઈ જવાના રહેશે.
પરિક્રમા પૂર્ણ થયા બાદ રાવટી /અન્ન ક્ષેત્ર ખોલનાર સંસ્થાએ તેમની સેવાકીય પ્રવૃત્તિઓ થકી કચરો ઉત્પન્ન થયો હોય તે તમામ સફાઈ કરી કચરો ગિરનાર અભ્યારણ્ય માંથી બહાર લઈ જવાનો રહેશે. અન્નક્ષેત્ર -ઉતારાની સેવા આપતી સંસ્થાઓને ફક્ત માલસામાન વાહતુક કરવા પરમિટ આપવામાં આવશે. વાહન સાથે ફક્ત સંસ્થાનો ફોટો આઈડેન્ટી કાર્ડ – ઓળખપત્ર ધરાવતા સ્વયં સેવકોને જ પ્રવેશ આપવામાં આવશે.
આ સંદર્ભે કોઈ ફરિયાદ હોય તો પરિક્રમાના નોડલ ઓફિસર મદદની સંરક્ષકશ્રી, જૂનાગઢ મોબાઈલ નં.૭૫૬૭૩૦૬૧૬૪ અથવા ડિવિઝન કચેરી, સરદાર બાગ-જૂનાગઢ ફોન નં. ૦૨૮૫-૨૬૩૧૧૮૨ પર સંપર્ક સાધવાનો રહેશે.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)