ગિરસોમનાથ જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા ઐતિહાસિક કામગીરી અંજામ આપવામાં આવી છે. જુનાગઢ જિલ્લાના મેંદરડા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગંભીર ગુનામાં છેલ્લાં એક વર્ષથી ફરાર રહેતા આરોપી રમેશભાઈ પુંજાભાઈ સોલંકીની તલાલા બસ સ્ટેશન પાસેથી અટક કરવામાં આવી છે.
આ કેસમાં પ્રોહીબીશન એક્ટની કલમો 65(ઈ), 98(2) અને 81 હેઠળ ગુ.ર.નં. 291/2024 નોંધાયેલો હતો અને આરોપી પોતાનું રહેઠાણ બદલી બદલીને પોલીસને સતત ચકમો આપી રહ્યો હતો.
જુનાગઢ રેન્જના ડી.આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગિર સોમનાથના પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાએ ફરાર આરોપીઓને ઝડપી પાડવા જિલ્લા પોલીસને ચોક્કસ દિશામાં કામગીરી માટે માર્ગદર્શન આપ્યું હતું.
આ સૂચનાઓના અનુસંધાને એલસીબી પો. ઇન્સ્પેકટર એમ.વી. પટેલના નેતૃત્વ હેઠળ પો. સબ ઇન્સ્પેકટર એ.સી. સિંધવ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન ટીમના એએસઆઈ લાલજીભાઈ બાંભણીયા, નરેન્દ્રભાઈ કછોટ અને ગોવિંદભાઈ વંશને મિળેલી ચોક્કસ બાતમીના આધારે તલાલા બસ સ્ટેશન વિસ્તારમાં વોચ ગોઠવી અને સફળ રીતે આરોપીને કાબૂમાં લીધો હતો.
આરોપી – રમેશભાઈ પુંજાભાઈ સોલંકી, ઉંમર 36 વર્ષ, રહેવાસી કાજરડી પ્રાથમિક શાળા-2 પાસે, તાલુકો ઉના, જીલ્લો ગિરસોમનાથ — સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દેવાઈ છે અને વધુ તપાસ માટે તેને મેંદરડા પોલીસના હવાલે કરવામાં આવવાનું અનુમાન છે.
આ કામગીરી રાજ્ય સરકારના “ફરાર આરોપી પકરો અભિયાન” માટે એક સિદ્ધિરૂપ છે અને જિલ્લા પોલીસની સક્રિયતા અને દૃઢતાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડે છે.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ – સોમનાથ