મધમાખીના ઝૂંડ વચ્ચે ૧૦૮ નાં સાહસિક કર્મીઓએ પી.પી.ઈ. કીટ પહેરી ખેડૂતને રેસ્ક્યુ કરી એમ્બ્યુલન્સમાં સારવાર અપાવી નવજીવન બક્ષ્યું
જાન્યુઆરી – ૧૦૮ માત્ર શહેર કે ગ્રામ્ય વિસ્તાર જ નહીં પરંતુ વનવગડામાં પણ જાનના જોખમે લોકોના જીવ બચાવવામાં ક્યારેય પાછી પાની કર્યા વગર સાહસભેર લોકોને મદદરૂપ બને છે તેનો કિસ્સો આજરોજ જોવા મળ્યો છે.જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના અંતરિયાળ ગામોમાં ઝેરી મધમાખીઓના હુમલા હવે સામાન્ય થઈ ગયા છે ત્યારે, જંગલ વિસ્તારના આવેલ હડમતીયા ગામમાં આજે એક ૭૫ વર્ષીય વૃદ્ધ અન્ય મજૂર સાથે ખેતરમાં કામ કરી રહ્યા હતાં. ત્યારે અચાનાક ઝેરી મધમાખીનો હુમલો તેઓ પર થયો હતો. આ હુમલા થી બચવા માટે મજૂરો ત્યાંથી ભાગી રહ્યા હતા, ત્યારે સાથે કામ કરતાં ૭૫ વર્ષીય વૃદ્ધ અમરસિંહભાઈ વાઘેલા ભાગવા જતા પડી ગયા હતાં. તેઓ પર મોટી સંખ્યામાં ઝેરી મધમાખીઓએ હુમલો કર્યો. આ તકે અન્ય લોકોએ ૧૦૮ ને કોલ કરી એમ્બ્યુલન્સની મદદ માંગી હતી. જેની ગણતરીની મિનિટમાં ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી.
ટીમે દૂરથી જોતાં માલૂમ પડ્યું કે ખેતરમાં રહેલા વૃદ્ધ પર અનેક મધમાખીઓ ઘુમરાઈ રહી છે, અને વૃદ્ધ બચવાની બૂમો પાડી રહ્યા છે. એક પણ પળના વિલંબ વિના ૧૦૮ ના ઇ.એમ.ટી વિશાલ કાથડ અને પાઇલોટ રાહુલ પીપળીયાએ એમ્બ્યુલન્સમાં રહેલી પી.પી.ઈ. કીટનો ઊપયોગ કરી અન્ય લોકો પાસેથી હેલ્મેટ પહેરી વૃદ્ધ નજીક એમ્બ્યુલન્સ ખેતરમાં લઈ જઈ અને મહામહેનતે વૃદ્ધને એમ્બ્યુલન્સમા લેવામાં સફળ થયા હતાં. અમરસિંહભાઈને માખીઓએ કરડ્યા હોવાથી જરૂરી સારવાર સાથે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ૧૦૮ ની ટીમે હિંમત દાખવી ઝેરી મધમાખી હુમલામાંથી ખેડૂતને બચાવી નવજીવન બક્ષ્યું છે. આ અંગે ૧૦૮ સેવાના જિલ્લા અધિકારી યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ૧૦૮ સેવાના તમામ કર્મચારીઓ કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવાં માટે પૂરતી તાલીમ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અને તેઓ વિષમ પરિસ્થિતિમાં કામગીરી કરવા કટીબદ્ધ રહે છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)