ગીર સોમનાથના આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના આરોગ્ય માટે મહત્ત્વપૂર્ણ પગલું — ૪૭૦થી વધુ બાળકોને TD અને DPT વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો.

વેરાવળ: ગીર સોમનાથ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના આરોગ્ય પ્રત્યેની કટિબદ્ધતાનું શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળ્યું છે. જિલ્લામાં વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતાં ધોરણ ૫ અને ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને ટીડી (ટિટનસ અને ડિફ્થેરિયા) અને ડીપીટી (ડિફ્થેરિયા, પર્ટ્યુસિસ અને ટિટનસ) જેવી ગંભીર રોગોની સામે રક્ષણ આપવા માટેની રસી આપવામાં આવી રહી છે.

આજરોજ વેરાવળની એક ખાનગી શાળામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મોટા પાયે રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધોરણ ૫ અને ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને TD અને DPT વેક્સિનના બુસ્ટર ડોઝ આપવામાં આવ્યા હતા. જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં જિલ્લાના સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કુલ ૪૨૧ ધો.૫ના અને ૫૫ ધો.૧૦ના વિદ્યાર્થીઓનો રસીકરણનો લાભ મળ્યો છે.

આ રસીકરણ કાર્યક્રમને સફળ બનાવવામાં આરબીએસકે (RBSK), હરસિદ્ધિ યુ.પી.એચ.સી., અને ચોક્સી કોલેજના એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓએ પણ યોગદાન આપ્યું હતું.

વિશેષ માહિતી આપતાં આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, ડીપીટી એટલે ત્રિગુણી રસી, જે બાળકને તીવ્ર અને જીવલેણ બીમારીઓ જેવી કે ડિફ્થેરિયા, પર્ટ્યુસિસ (ઉટાટિયું) અને ધનુરવાતથી સુરક્ષિત રાખે છે. TD વેક્સિન પણ એવું જ રક્ષણ કિશોર વયના બાળકોને પ્રદાન કરે છે. TDનો બુસ્ટર ડોઝ બાળકને ૧૦ વર્ષની અને પછી ૧૬ વર્ષની વયે આપવામાં આવે છે, જેથી તેને ટિટનસ અને ડિફ્થેરિયા જેવી બીમારીઓ સામે રક્ષણ મળી રહે.

આ કાર્યક્રમની ખાસિયત એ હતી કે હવે આરોગ્ય વિભાગ શાળાની અંદર જઈને જ બાળકોએ રસી આપવાનો પ્રયાસ કરે છે, જેથી બાળકોના આરોગ્ય માટે સક્રિય પગલાં ભરવામાં આવે છે.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ