ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગે છેવાડાના ગામડાઓમાં પણ સતત આરોગ્ય સેવાઓ પહોંચાડતી મજબૂત વ્યવસ્થા ઉભી કરી છે. જેના પરિણામે નાનાવડા, સેમરવાવ, રસૂલપરા, રંગપુર અને બેડિયા ખાતેના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરોને રાષ્ટ્રીય કક્ષાનો “NQAS” (National Quality Assurance Standards) એવોર્ડ એનાયત થયો છે.
આ એવોર્ડ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે અને તેમાં હોસ્પિટલની કામગીરીનું તજજ્ઞોની ટીમ દ્વારા બારીકાઈથી મૂલ્યાંકન કરવામાં આવે છે. ગુણવત્તાવાળી સેવા, ઇન્ફેકશન કંટ્રોલ, દર્દી અનુકૂળ વ્યવસ્થાઓ તથા જનજાગૃતિ સહિતના માપદંડોને ધ્યાને લઇ નાનાવડા સહિત પાંચ આરોગ્ય કેન્દ્રોને પસંદ કરવામાં આવ્યા હતા.
આ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સે આરોગ્યલક્ષી સુવિધાઓને ધ્યાને લઇ કામ કર્યું છે. અહીંના સ્ટાફે દર્દી સેવા, શિસ્તબદ્ધ વ્યવસ્થા, સાફ-સફાઈ અને જ્ઞાન કૌશલ્ય દ્વારા પોતાની કામગીરીમાં ગુણવત્તાનો પરિચય આપ્યો છે. જેના આધારે કેન્દ્ર સરકાર તરફથી નેશનલ લેવલનું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે.
આ સફળતાના પાયામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.એન. બરુઆ, આર.સી.એચ.ઓ. ડો. અરુણ રોય, ક્વોલિટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો. એચ.ટી. કણસાગરા, એપેડેમીક મેડિકલ ઓફિસર ડો. દિવ્યેશ ગોસ્વામી, જિલ્લા ક્ષય અધિકારી ડો. શીતલ રામ તથા તાલુકા હેલ્થ ઓફિસર સહિત સમગ્ર આરોગ્ય ટીમનો મોટો ફાળો છે.
આ કામગિરી ગીર સોમનાથ જિલ્લાને આરોગ્યસેવાઓના નકશા પર એક સશક્ત સ્થાન અપાવે છે અને આગામી સમયમાં વધુ ઉન્નત આરોગ્ય સેવાઓ માટે દિશાદર્શનરૂપ સાબિત થશે.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ–સોમનાથ